ETV BHARAT નો વિશેષ અહેવાલ જુનાગઢ :આજે રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના મહાન ગ્રંથપાલ એસ આર રંગનાથનને ભારતીય પુસ્તકાલયના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેઓના જન્મદિવસ નિમિતે આજે જુનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિ દુર્લભ અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તેવા પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
બહાઉદ્દીન વિનયન કોલેજનું પુસ્તકાલય 200 વર્ષ જૂનું પુસ્તક:બહાઉદ્દીન વિનયન કોલેજની લાયબ્રેરીમાં અતિ દુર્લભ પુસ્તકોનો સમાવેશ કરાયો છે. અહીં 46 હજાર કરતાં વધુ પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે. જેમાં શંકરાચાર્યની ગ્રંથાવલી ખૂબ જ વિશેષ પુસ્તકોનો ગ્રંથ બની રહે છે. આ પુસ્તકને સોનાના આવરણથી મઢવામાં આવ્યું છે. એક પુસ્તક આજથી 200 વર્ષ પૂર્વે છાપીને પ્રસિદ્ધ કરાયું હતું જે પુસ્તકાલયની શોભા વધારી રહ્યું છે.
અતિ દુર્લભ પુસ્તક: આ ઉપરાંત પુસ્તકાલયમાં અભ્યાસની સાથે ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યાવરણને લગતા અનેક પુસ્તકો રાખવામાં આવ્યા છે. આજે પુસ્તકાલય દિવસે વિદ્યાર્થીઓએ પણ તેમની રુચિ અને વાંચન શોખને અનુરૂપ પુસ્તકોને નિહાળીને તેમાં સંગ્રહિત કરાયેલી વિગતોથી પ્રભાવિત થયા હતા.
દરેક પુસ્તકને તેનો વાંચક અને દરેક વાચકને તેનું પુસ્તક મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. અમારી કોલેજમાં ખૂબ જ દુર્લભ અને સોનાના વરખથી મઢેલા પુસ્તકોનો સંગ્રહ છે. આ ઉપરાંત 200 વર્ષ પૂર્વે છાપવામાં આવેલું પુસ્તક આજે વાંચન ભૂખની સાથે અમારી લાઇબ્રેરીની શોભામાં પણ ખૂબ જ વૃદ્ધિ કરી રહ્યું છે. આ તમામ પુસ્તકોને અમે લાઈબ્રેરીના આભૂષણ તરીકે સાચવી રહ્યા છીએ.-- અમિત વાઘેલા (ગ્રંથપાલ, બહાઉદ્દીન કોલેજ)
વાંચકોનો પુસ્તક પ્રેમ : આજના રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસે ગુજરાતીના અધ્યાપક ગૌરાંગ જાનીએ તેમના પુસ્તક પ્રેમને શબ્દોમાં વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, પુસ્તક વાંચવાની ભૂખ એટલી હદે તીવ્ર હોય છે કે તેઓ ખોરાક લેવા સુધીનું યાદ રહેતું નથી. પુસ્તક દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનો અને અનિવાર્ય ભાગ ભજવે છે.
પુસ્તકાલયનું મહત્વ: એક વિદ્યાર્થીનીએ શાળામાં અભ્યાસ કરતા સમયના પુસ્તક અને પુસ્તકાલયના વિયોગને તેઓએ વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તેઓએ 10 મા ધોરણ પછી બે વર્ષ બ્રેક લીધો હતો. ત્યારબાદ 11 મા ધોરણમાં પ્રવેશ લીધેલી શાળામાં પુસ્તકાલય નહોતું. જેથી તે ખૂબ દુઃખી થઈ હતી. બે વર્ષ બાદ ફરી કોલેજમાં આવીને પુસ્તકાલયના દર્શન કરી તેણે જે બે વર્ષમાં ગુમાવ્યું છે તેના અહેસાસ કર્યો હતો. આજે પણ કહે છે કે, પુસ્તક હાથમાં હોય તો વાંચતા વાંચતા રાત્રીનો સમય ક્યાં પસાર થઈ જાય છે તેનો વિચાર સુધ્ધા આવતો નથી.
- ક્યા બાત હે..! 300 વર્ષ જુના મકાનમાં સાર્વજનિક લાઈબ્રેરીનું કરાયુ સર્જન
- International Book Day: જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ લાઇબ્રેરીમાં 200 વર્ષ જૂની ગોલ્ડ પ્લેટેડ ગ્રંથો છે, જાણો આ વિશેષ અહેવાલ