જૂનાગઢઃ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તેના પરિવાર સાથે ભારત અને ખાસ કરીને ગુજરાત આવી રહ્યા છે. જેને લઇને કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સમગ્ર કાર્યક્રમને ફાલતુ ગણાવ્યો હતો અને સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતોના કોળીયા પણ આવતી કાલે ડોનાલ્ડ ટ્રમ્પને સોનાની થાળીમાં પીરસવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે તેમના સમગ્ર પરિવાર સાથે ભારત અને ખાસ કરીને ગુજરાતની મુલાકાતે આવનાર છે. ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમથી આયોજિત થયો છે. જેને લઇને હવે રાજકારણ પણ ગરમાતુ જોવા મળી રહ્યું છે. ટ્રમ્પની ગુજરાત અને ભારત મુલાકાતને વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ફાલતુ ગણાવી છે. આ સાથે તેમણે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, સરકાર આવા આયોજન કરીને દેશને આર્થિક કટોકટીની સ્થિતિ વધુ ઘેરી બનાવી રહી છે.