લૉકડાઉનનો સદુપયોગ કરતા લોકોએ પરિવાર સાથે કાદવ થેરાપીની માણી અનોખી મોજ - સ્ટે એટ હોમ
લૉકડાઉનને લઈને પ્રાચીન ભારતની કેટલીક અમૂલ્ય પરંતુ વર્તમાન સમયમાં વિસરાઈ ગયેલી પરંપરાઓ લોકોમાં જાગૃત થઇ રહી છે. જેમ કે ભારતની પ્રાચીન ધાર્મિક પરંપરા, યોગ અને પ્રાણાયામ, કલા વારસો, ખોરાક રાંધવાની કેટલીક પદ્ધતિઓ તેમ જ વિવિધ રોગો સામે રક્ષણ આપતી કે મુક્તિ અપાવતી કેટલીક પ્રાચીન થેરાપી તો આજે આપણે વાત કરીશું મડ એટલે કે કાદવથી સ્નાન કરવાની થેરાપીની...
જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વ આજે તાળાબંધીમાં જોવા મળી રહ્યું છે. કોરોનાની મારકતા સામે લાચારીથી સૌ "જાન હે તો જહાંન હે" નું સૂત્ર અપનાવી પોતાના ઘરોમાં દોઢ મહિનાથી કેદ થઈને પડ્યાં છે. આવા સંકટના પરંતુ કૈક અંશે ફુરસદના સમયમાં દરેક ઘરમાં કેટલુંક નવું આયોજન થઇ રહ્યું છે. કેટલાક આરોગ્યને લઈને યોગ અને પ્રાણાયામ અપનાવી રહ્યાં છે તો કેટલાક લોકો ઇન્ડોર ગેમ રમીને સમય પસાર કરી રહ્યાં છે. આવા સમયમાં કેટલાક લોકો ભારતની પ્રાચીન કહી શકાય તેવી "મડ" એટલે કે "કાદવ થેરાપી" થકી તેમનું અને તેમના પરિવારનું આરોગ્ય સાચવી રહ્યાં છે.