આ ખેડુત શિબિરમાં રાજ્યના મુખ્યપ્રધાને ખેડૂતલક્ષી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ખેડૂત સુધી પહોંચે અને ખેડૂતો તેનો લાભ મેળવે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના દરેક પ્રશ્નને લઈને સંવેદનશીલ હોવાનો મત પ્રગટ કર્યો હતો. તો બીજી તરફ વિસાવદરના સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સરકાર દ્વારા આયોજીત ખેડૂત શિબિરને એક નાટક ગણાવ્યું હતું.
મહા ખેડૂત શિબિર પર ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સરકારની કાઢી જાટકણી - ધારાસભ્ય
જૂનાગઢ: જિલ્લાના વિસાવદરમા રાજ્ય સરકાર દ્વારા મહા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાને હાજરી આપી હતી. કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં આયોજીત ખેડૂત શિબિરને લઇને સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સરકારની ઝાટકણી કાઢી હતી. સરકાર ખેડૂતોના પ્રશ્નોને લઈને ઉદાસીન હોવાનો આક્ષેપ કરીને આવા તાયફાઓ બંધ થાય તેવી માગ કરી હતી.
ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની મજાક કરતી હોય તેવો અભિગમ બંને સરકારો દાખવી રહી છે. તેઓ આક્ષેપ પણ કર્યો હતો એક તરફ ખેડૂત પાક વીમાને લઈને દર્ દર ભટકી રહ્યો છે તો બીજી તરફ વિસાવદર તાલુકામાં જંગલી પશુઓનો પણ ખુબ જ ત્રાસ છે. જેનો આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ નિવેડો લઇ આવવામાં આવ્યો નથી. જેને લઇને ખેડૂતો આજે પણ ચિંતિત છે.
બીજી તરફ ખેડૂતો મહામહેનતે જે પાક ઉત્પાદન કરે છે. તેના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળતા નથી. ત્યારે, સરકાર દ્વારા આવા પોકળ અને બિન અસરકારક આયોજન અંગે સવાલ ઊભા કરીને રીબડીયાએ સરકાર પર આક્ષેપો કર્યા હતા. રીબડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂત મહા શિબિર નહીં પરંતુ, રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોના પ્રશ્નોને લઇને કોઇ ખેડૂત ચિંતન કે ખેડૂત ચિંતા શિબિરનું આયોજન કરવુ જોઈએ તેવી સલાહ પણ આપી હતી.