જૂનાગઢના માંગરોળની સબ જેલમાં કાચા કામના કેદીઓનો વિડિયો વાયરલ થતાં તંત્ર હલબલી ગયું જૂનાગઢ : જિલ્લાની માંગરોળ ખાતે આવેલી સબજેલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે. આ વીડિયોમાં જેલમાં જેલ કર્મચારીઓની મહેરબાનીથી સુખ સુવિધા અને તમાકુ સહિતની વસ્તુઓ મળી રહી છે તેઓ ઉલ્લેખ કરાયો હતો, ત્યારે આજે માંગરોળ Dysp અને સમગ્ર પોલીસની ટીમ દ્વારા જેલમાં જડતી અભિયાન શરૂ કરાયું હતું. જેમાં એક મોબાઇલ અને ચાર તમાકુની પડીકી મળી આવતા પોલીસે જેલમાં રહેલા કાચા કામના કેદી જીતુ સુત્રેજા સામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.
શું છે સમગ્ર મામલો : જુનાગઢ જિલ્લાની માંગરોળ સબ જેલમાં કાચા કામના કેદીઓ માટે ઐયાસીનો અડ્ડો બની રહી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેલમાં જેલ કર્મચારીઓ દ્વારા મોબાઇલ, તમાકુ સહિત સુખ સુવિધાની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોવાની વિગતો સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર મામલામાં જુનાગઢ જિલ્લા જેલ પ્રશાસન પણ ખળભળી ગયુ હતુ. જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ માંગરોળ Dyspની અધ્યક્ષતામાં પોલીસે માંગરોળ સબજેલની જડતી શરૂ કરી હતી. જેમાં જેલમાં રહેલા કાચા કામના કેદી જીતુ સુત્રેજા પાસેથી એક મોબાઇલ ફોન અને ચાર તમાકુની પડીકી મળી આવતા પોલીસે જેલ એક્ટ IPCની ધારા 188 મુજબ જીતુ સુત્રેજા સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : Kajal Hindustani: કાજલ હિન્દુસ્તાનીને મળશે જામીન કે જેલ? ઉના કોર્ટ આપશે અંતિમ ચુકાદો
જેલની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો :સામાન્ય રીતે જેલ ખૂબ જ ઉચ્ચ સુરક્ષા ધરાવતી હોવી જોઈએ, પરંતુ અહીં કર્મચારીઓની મિલી ભગતને કારણે કેટલાક પહોંચેલા અને દબંગ દ્વારા કાચા કામના કેદીઓને જેલમાં મોબાઇલ તમાકુ સહિત અનેક સુખ સુવિધાની વસ્તુઓ પહોંચી રહી છે. સામાન્ય રીતે કોઈપણ જેલમાં રહેલા કાચા કે પાકા કામના કેદીને કોઈપણ વસ્તુ તેના સુધી પહોંચે ત્યાં સુધીમાં અનેક વખત જેલમાં તપાસ કરાતી હોય છે, પરંતુ પ્રતિબંધિત એવા મોબાઈલ ફોન અને તમાકુ જેવી ચીજ વસ્તુઓ જેલમાં સરળતાથી પહોંચે તે વાત માનવા યોગ્ય નથી. માટે વીડિયોમાં જે ઉલ્લેખ કરાયો છે તે મુજબ જેલના કેટલાક કર્મચારીઓને સંડાણી પણ બહાર આવી શકે છે.
આ પણ વાંચો :Prince tewatia murder case: જેલ સુધી છરી કેવી રીતે પહોંચી, ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયાની હત્યા પર પરિવારજનોએ ઉઠાવ્યા સવાલ
માનવું ભૂલ ભરેલું : કેદીઓ દ્વારા વિડિયો વાયરલ થયો છે. તેને લઈને ETV Bharat આ વીડિયોને પ્રમાણિત કરતું નથી. આ વિડીયો કેટલા સમય જૂનો છે. વિડીયો કોણે બનાવ્યો છે. વિડિયો ચોક્કસ માંગરોળ સબજેલનો છે કે નહીં તેને લઈને ETV Bharat પુષ્ટિ કરતું નથી. હાલ તો માંગરોળ વિભાગીય પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર મામલામાં એક કેદી જીતુ સુત્રેજા સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે, પરંતુ જેલના કર્મચારીની મિલી ભગત સિવાય કોઈપણ કેદી સુખ સુવિધાની વસ્તુઓ પ્રાપ્ત કરી શકે તે માનવું ભૂલ ભરેલુ ગણાશે.