છેલ્લા 12 વર્ષથી મૌન વ્રત અને શિવજીની સેવા કરતા ખડેશ્રી બાબા ભવનાથના મેળાનું આકર્ષણ - latest news of Mahashivaratri
છેલ્લા 12 વર્ષથી મૌન ધારણ કરીને ભગવાન ભોળાનાથની સેવા કરતા પુષ્કર રાજના ખડેશ્રી બાબા મૌનવ્રત ધારણ કરીને ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રી મેળામાં આસન લગાવી અલખના ઓટલે શિવ ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે.
જૂનાગઢઃ ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો હવે ધીરે-ધીરે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે મેળામાં કેટલાક અચરજ અને નવાઈ પમાડે તેવા ધાર્મિક પ્રસંગો પણ બહાર આવી રહ્યા છે. જે પૈકીનો એક પ્રસંગ એટલે કે, પુષ્કર રાજના ખડેશ્રી બાબા છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રી મેળામાં ભાગ લેવા માટે નિયમિત આવે છે. તેઓએ છેલ્લા 12 વર્ષથી મૌન ધારણ કરેલું છે અને મૌનની અવસ્થામાં જ ભવનાથમાં અલખને ઓટલે શિવનો ધુણો લગાવીને ભગવાન ભોળાનાથની પૂજા કરતા જોવા મળી રહ્યા છે.
મૌન રાખવા પાછળનું કારણ બાબાના અન્ય એક સાથી જણાવી રહ્યા છે કે, મૌન ધારણ કરવાથી મનની શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. તેમજ ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થવા માટે એક પીઠબળ પૂરું પડે છે તો બીજી તરફ મૌન રાખવાથી ગુસ્સા ઉપર કાબૂ મેળવી શકાય છે અને મૌનની શક્તિથી જ ભક્તિની શક્તિમાં ખૂબ જ વધારો કરી શકાય છે. માટે તેઓ છેલ્લા 12 વર્ષથી મૌન ધારણ કરીને ભવનાથના મેળામાં આવી રહ્યા છે અને આગામી 21 વર્ષ સુધી મૌનની કઠોર સાધના કરીને ભગવાન ભોળાનાથને પામવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા છે.