સારી ગુણવત્તાવાળી કેરીના 400 રૂપિયા જૂનાગઢ : જૂનાગઢની બજારમાં સીઝનની પાકેલી કેસર કેરીનું આગમન થયું છે. ખૂબ જ જૂજ પ્રમાણમાં પાકેલી કેસર કેરી છૂટક બજારમાં વેચાણ માટે આવી રહી છે. જેના બજાર ભાવ કેરીના સ્વાદ રસિકોના દાંત ખાટા કરી રહ્યા છે. પ્રતિ કિલો 300થી લઈને સારી ગુણવત્તાના 400 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાઈ રહ્યા છે.
સર્વોચ્ચ બજાર ભાવ જૂનાગઢની બજારમાં કેસર કેરીનું આગમન થયું છે, પરંતુ પ્રતિ કિલો બજાર ભાવ કેરીના રસિકોના દાંત ખાટા કરી રહ્યા છે, હાલ કેરીની સિઝન સાર્વત્રિક રીતે શરૂ થવાને એક મહિના જેટલો સમય બાકી છે, પરંતુ આગતરા વાવેતરમાં કેરીના ફળ પાકી જતાં તેનું બજારમાં આગમન થયું છે, ખૂબ જ જૂજ પ્રમાણમાં કેરીની આવક થઈ રહી છે, જેને કારણે તેના બજાર ભાવ પ્રતિ કિલોના 300 થી લઈને સારી ગુણવત્તાવાળી કેરીના 400 રૂપિયા જોવા મળે છે.
આ પણ વાંચો Gir Mango: વાતાવરણની પ્રતિકૂળતા કેરીની મીઠાશ પર, ઉત્પાદન ઘટવાની સાથે ભાવમાં વધારાની શક્યતા
ગ્રાહકો માટે મુશ્કેલ ભાવ આટલા ઊંચા બજાર ભાવ હોવાને કારણે કેરીની ખરીદદારી કેરીના રસિકો માટે નીરસ બની રહી છે. પ્રથમ વખત બજારમાં કેરીનું આગમન થતા લોકો કેરીના બજાર ભાવ પૂછી રહ્યા છે. પરંતુ ખરીદવાને લઈને હજુ ગ્રાહકો મુક્ત મને બજારમાં આવતા નથી. તેની પાછળનું એક કારણ ખૂબ જ ઊંચા કહી શકાય તેવા પ્રતિ કિલોના બજાર ભાવો માનવામાં આવે છે.
આ પણ વાંચો Kutch News : આંબેથી કેરીઓ પડી નીચે, 90 ટકા માલ ખરી જતા ખેડૂતોને રોવાનો વારો
વાતાવરણની પ્રતિકૂળતા અને તહેવારોનો માહોલ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાને કારણે ગીરની કેસર કેરીના બજાર ભાવ પાછલા એક દશકમાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે. 400 રૂપિયા પ્રતિ 10 કિલોના ભાવે સિઝનમાં વેચાતી કેસર કેરીના ભાવ જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે એક કિલોના 400 બોલાવી રહ્યા છે. જેને કારણે ખરીદારી ખૂબ જ મર્યાદિત જોવા મળે છે. વધુમાં કમોસમી વરસાદ અને વાતાવરણની પ્રતિકૂળતા તેમજ તહેવારોના સમયમાં ફળોની માંગ વિશેષ પ્રમાણે હોવાને કારણે માંગની સામે પુરવઠો ખૂબ જ જૂજ માત્રામાં હોવાને કારણે પણ પ્રતિ કિલો કેરીના બજાર ભાવ આસમાનની ઊંચાઈએ જોવા મળે છે. જેની અસર કેરીની ખરીદારી પર જોવા મળે છે. 10 લોકો કેરીને જોઈ તેના ભાવ પૂછે છે, તેમાંથી માત્ર એકલદોકલ ગ્રાહકો કેરીની ખરીદી કરી રહ્યા છે.