સમગ્ર દેશ માથી કોંગ્રેસ માટે સારા સમાચાર હવે ભૂતકાળ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક કોંગ્રેસના જ ચૂંટાયેલા સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં શામેલ થઈ રહ્યા છે અને ભાજપને સમર્થન આપી રહ્યા છે. ત્યારે વધુ એક મુસીબત જૂનાગઢમાંથી કોંગ્રેસ માટે સામે આવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની શાપુર બેઠકના મુકેશભાઈ કણસાગરાએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. જેને કારણે કોંગ્રેસનું સભ્ય બળ તૂટીને હવે માત્ર વિરોધ પક્ષમાં બેસવા પૂરતું જ મર્યાદિત રહી ગયું છે.
જૂનાગઢ જિલ્લા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરકી, વધુ એક સભ્ય કેસરીયા રંગે રંગાયા - congress
જૂનાગઢઃ સમગ્ર દેશમાંથી કોંગ્રેસને માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. શનિવારે જૂનાગઢમાંથી પણ કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યાં છે. કોંગ્રેસના સિમ્બોલ પણ જૂનાગઢ જિલ્લા પંચાયતની શાપુર બેઠક પરથી ચૂંટાયેલા મુકેશભાઈ કણસાગરા એ આજે કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા ની હાજરીમાં કેસરીયો ધારણ કરી ભાજપને સમર્થન જાહેર કર્યું છે. ભાજપના સમર્થનમા આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તમામ 13 સભ્યો ભાજપના સમર્થનમાં ખૂલીને સામે આવશે, જેને કારણે જૂનાગઢ જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ મુક્ત બનશે તેવા સંકેત મળી રહ્યાં છે
વર્ષ 2016માં સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસને ઐતિહાસિક જીત મળી હતી. જિલ્લા પંચાયતની 30 બેઠકો પૈકી ૨૭ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હતા અને જિલ્લા પંચાયતનું શાસન ભાજપ પાસેથી આંચકી લેવામાં સફળ થયા હતા. પરંતુ વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજના રાજકારણમાં અકલ્પનીય ફેરફારો જોવા મળ્યા હતા. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા જેમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા બેઠક ના જવાહર ચાવડાનો પણ સમાવેશ થતો હતો. જવાહર ચાવડા ભાજપમાં ગયા ત્યારથી જ જુનાગઢ જિલ્લા પંચાયત કોંગ્રેસ બચાવી નહીં શકે તેવી આશંકાઓ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી હતી. તે મુજબ હવે જૂનાગઢ જિલ્લા પંચાયત બચાવવી કોંગ્રેસ માટે અશક્ય લાગી રહ્યું છે.
ગત લોકસભાની ચૂંટણી દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત નવ જેટલા સભ્યો ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપના સમર્થનમાં બહાર આવ્યા હતા. ત્યારબાદ એક પછી એક કોંગ્રેસના સભ્યો તૂટીને ભાજપના સમર્થનમાં આવી રહ્યા છે. જેમાં આજે વધુ એક સભ્યનો ઉમેરો થયો છે. શાપુર બેઠકના કોંગ્રેસના સભ્ય મુકેશભાઇ કણસાગરા આજે ભાજપના સમર્થનમાં આવી ગયા છે. વર્ષ 2016માં માત્ર ત્રણ સભ્યો સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વિપક્ષમાં બેઠેલી ભાજપ આજે ૧૬ સભ્યોનું સંખ્યાબળ ધરાવતી થઈ ગઈ છે. તો સામે પક્ષે 27 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસ આજે જિલ્લા પંચાયતમાં સત્તા ટકાવી રાખવા માટે ફાંફા મારી રહી છે. આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લા પંચાયતનું જનરલ બોર્ડ મળશે જેમાં તમામ સભ્યો ભાજપના સમર્થનમાં બહાર આવશે અને ત્યાંરથીજ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસનનો અંત આવે તેવી શંકાઓ વર્તાઈ રહી છે.