જૂનાગઢની 75 વર્ષીય મહિલાઓએ સાડી પહેરીને કર્યા સૂર્ય નમસ્કાર જૂનાગઢઃ આજે સમગ્ર રાજ્યના જાહેર અને ઐતિહાસિક સ્થળો પર સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના દામોદર કુંડ, ભવનાથ તળેટી, ઉપરકોટનો કિલ્લો, નરસિંહ મહેતા યુનિવર્સિટી વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળો પર મોટી સંખ્યામાં નાગરિકોએ સામુહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
વર્લ્ડ રેકોર્ડઃ આજે ગુજરાતના વિવિધ મહત્વના અને ઐતિહાસિક 108 સ્થળો પર સવારે સૂર્યની પહેલી કિરણના આગમનથી સામુહિક સૂર્ય નમસ્કાર યોજાયા હતા. આ કાર્યક્રમમોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાતમાં એક સાથે 108 સ્થળો પર સામુહિક સૂર્ય નમસ્કાર થયા તે ઘટનાને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળવાનું છે. આ કાર્યક્રમ અનુસંધાને જૂનાગઢમાં પણ સામુહિક સૂર્ય નમસ્કાર યોજાયા હતા. જેમાં અબાલ વૃદ્ધ સૌએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉપરકોટમાં સૂર્ય નમસ્કારઃ જૂનાગઢમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ઉપરકોટના કિલ્લામાં પણ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ સૂર્યના પ્રથમ કિરણ સાથે સૂર્ય નમસ્કાર શરુ કર્યા હતા. મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકોમાં 75 વર્ષીય મહિલાઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. આ બંને મહિલાઓએ ભારતીય સંસ્કૃતિની મહિલા વેશભૂષામાં સૌથી અગ્રણી છે તેવી સાડી પહેરીને સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ મહિલાઓએ સાડી પહેરી હોવા છતા સામાન્ય યોગાભ્યાસુઓની જેમ જ સૂર્ય નમસ્કાર કર્યા હતા.
હું છેલ્લા 8 મહિનાથી યોગ સાથે સંકળાયેલ છું. સૂર્ય નમસ્કાર અને યોગ કરવાથી મારુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારુ રહે છે. હું હંમેશા સાડી પહેરીને જ યોગ કરું છું મને કદાપિ કોઈ તકલીફ પડી નથી...મીનાક્ષીબેન(યોગાભ્યાસુ, જૂનાગઢ)
મેં જ્યારથી યોગ શરુ કર્યા ત્યારથી સાડી પહેરીને જ યોગ કર્યા છે. આજ દિન સુધી સાડી મને યોગાસનમાં બાધ્ય બની નથી. મને ડાયાબિટીસ, બીપી માથાનો દુખાવો તેવો કોઈ રોગ નથી...રેણુકાબેન(યોગાભ્યાસુ, જૂનાગઢ)
- Surya namaskar on makar sankranti: 100 યોગાર્થીઓએ 51 સૂર્ય નમસ્કાર વંદના કરી
- Surya Namaskar Competition : જૂનાગઢના ઐતિહાસિક કિલ્લા ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન