ગુજરાત

gujarat

ETV Bharat / state

KBC Participant : જૂનાગઢની વિદ્યાર્થિનીએ મહાનાયક બચ્ચન સામે કેબીસીમાં હોટ સીટ પર બેસીને જૂનાગઢને અપાવ્યું ગૌરવ

મહાનાયક અમિતાભ બચ્ચનના શો કેબીસીમાં જૂનાગઢની વિદ્યાર્થિની લાખો રુપિયા જીતી લાવી છે. વૈશાલી ચૂડાસમા નામની વિદ્યાર્થિનીએ મહાનાયક અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી સવાલોના જવાબો આપી 12.30 લાખની રકમ જીતવામાં સફળતા મેળવી છે.

KBC Participant : જૂનાગઢની વિદ્યાર્થિનીએ  મહાનાયક બચ્ચન સામે કેબીસીમાં હોટ સીટ પર બેસીને જૂનાગઢને અપાવ્યું ગૌરવ
KBC Participant : જૂનાગઢની વિદ્યાર્થિનીએ મહાનાયક બચ્ચન સામે કેબીસીમાં હોટ સીટ પર બેસીને જૂનાગઢને અપાવ્યું ગૌરવ

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 4:47 PM IST

12.30 લાખ જીત્યાં

જૂનાગઢ : જૂનાગઢની સરકારી બહાઉદ્દીન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી વૈશાલી ચૂડાસમાએ કેબીસી જેવા સ્પર્ધાત્મક શોમાં ભાગ લઈને 12.30 લાખ રૂપિયા જેટલી રકમ જીતવામાં સફળતા મેળવી છે. આ વિદ્યાર્થિની કેબીસીમાં પસંદ થવાથી લઈને અમિતાભ બચ્ચન સામે હોટ સીટ શેર કરીને તેને મળેલી સફળતાને ઈટીવી ભારત સમક્ષ વાગોળી છે.

જૂનાગઢની વિદ્યાર્થિની કેબીસીમાં : મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ થઈ રહેલા કોન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં જૂનાગઢની વિદ્યાર્થીની 12.30 લાખ રૂપિયા જેટલી રકમ જીતી છે. જૂનાગઢની કોઈ વિદ્યાર્થીની આ સ્પર્ધામાં ભાગ લઈને આટલી રકમ જીતી હોય તે પ્રકારનો આ પહેલો અનુભવ છે. જૂનાગઢની સરકારી બહાઉદ્દીન કોલેજમાં મનોવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતી વૈશાલી ચૂડાસમાએ તેમના કેબીસીની હોટ સીટ સુધીના સફરને ઈટીવી ભારત સમક્ષ શેર કર્યો છે. પસંદગી પ્રક્રિયાથી લઈને 12,30 લાખ જીતવા સુધીનો તેનો આ અનુભવ જીવનના એક આનંદ સમાન તે માની રહી છે.

બચ્ચન સામે જતા પૂર્વે માનસિક સ્વસ્થતા કેળવવી : સદીના મહાનાયક સામે બેસવાનું તેની સાથે વાત કરવાનો સૌ કોઈ વિચારતા હોય છે પરંતુ અચાનક કેબીસી જેવા માધ્યમથી બચ્ચન સામે બેસવાની અને વાત કરવાની જે તક મળી તે પૂર્વે વૈશાલી થોડી નર્વસ જોવા મળતી હતી. અમિતાભ બચ્ચનનું કદ સ્ટેટસને ધ્યાને રાખીને તેની સાથે કઈ રીતે વાત થશે તેને લઈને પણ તે થોડી ચિંતિત હતી. પરંતુ બચ્ચનની સાથે ખૂબ જ સહજતાથી વાત થયા બાદ તે બિલકુલ સરળતાથી પૂછવામાં આવેલા પ્રત્યેક સવાલોનો ખૂબ જ ધૈર્યપૂર્વક પ્રત્યુતર આપીને 12,30,000 જીતવામાં તેને સફળતા મળી છે.

અમિતાભ બચ્ચને ગુજરાતી ભોજન વિશે કર્યો સવાલ : વૈશાલી ચૂડાસમા મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરે છે તેના અભ્યાસને લઈને અમિતાભ બચ્ચને ગુજરાતી ભોજનને લઈને વૈશાલી સાથે થોડા સવાલ જવાબો કર્યા હતા. ગુજરાતી લોકો ખાટો તીખો અને મીઠો એ ત્રણેય સ્વાદ એકસાથે આરોગે છે આની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ શું છે તેવા સવાલની વચ્ચે ઉપસ્થિત સૌ કોઈમાં હાસ્યનું મોજુ પણ ફરી વળ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં આપવામાં આવેલી ત્રણ લાઈફ લાઈનનો વૈશાલીએ ઉપયોગ કરીને કેટલાક સવાલોના જવાબો આપવામાં સફળતા મેળવી છે. ફ્લીપ લાઈફ લાઈનને વૈશાલી ખૂબ જ ગંભીર માને છે જેથી તેણે તે લાઈફલાઈનનો ઉપયોગ કર્યા વગર 12.30 લાખ રૂપિયા જીતવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

જુનિયર કેબીસીનું સપનું સિનિયરમાં થયું પૂર્ણ : વૈશાલી ચૂડાસમા જુનિયર કેબીસીમાં ભાગ લેવા માટે વર્ષોથી પ્રયત્નશીલ હતી. પરંતુ તેનું સપનું આજે સિનિયર કેબીસીમાં સ્થાન પ્રાપ્ત કરીને પૂર્ણ થયું છે. કેબીસીમાં સવાલના જવાબો આપવા માટે તેમણે કોઈ ચોક્કસ માધ્યમોનો સહારો લીધો ન હતો પરંતુ રોજબરોજની ઘટતી ઘટનાઓ ટીવી અને અખબારોમાં આવતા સમાચારોની સાથે રસના વિષયને પસંદ કરીને કેબીસીમાં ભાગ લીધો હતો જેમાં તેને સફળતા પણ મળી છે. આ જ પ્રકારના કાર્યક્રમો ભારતમાં લેવાતી જાહેર પરીક્ષાઓમાં સફળતા અપાવવા માટે ખૂબ જ મનોબળ પૂરું પાડે છે. વૈશાલી ચૂડાસમા આવનાર દિવસોમાં સંઘ લોકસેવા આયોગની પરીક્ષા આપવાનુ વિચારી રહી છે અને જે રીતે કેબીસીએ માધ્યમ પૂરું પાડ્યું છે તે માધ્યમ સંઘ લોકસેવા આયોગની પરીક્ષામાં પણ તેને મદદરૂપ થશે તેવું તે માની રહી છે.

  1. KBC-13 : હોટ સીટ પર બેઠેલાં બાળકે આપી અજબની ચેલેન્જ, પૂરી ન કરી શક્યાં BIG B
  2. બી.આર. ચોપડાની મહાભારત પર આધારિત કેબીસી રજીસ્ટ્રેશનનો 11મો પ્રશ્ન
  3. 'કેબીસી 11 વિવાદ': અમિતાભ બચ્ચને દર્શકો સમક્ષ માગી માફી

ABOUT THE AUTHOR

...view details