જૂનાગઢ : વધતા જતા કોરોના વાઇરસની વચ્ચે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ શહેરની તમામ રાષ્ટ્રીય અને ખાનગી બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના અંગે લોકોમાં જનજાગૃતિ આવે અને સરકાર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જે દિશા-નિર્દેશો સૂચવવામાં આવ્યા છે તે મુજબ કામ કરવાની તાકીદ કરી હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ બેન્કના અધિકારીઓ સાથે યોજી બેઠક
સતત વધી રહેલા કોરોના કહેરની વચ્ચે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કોરોના વાઇરસ હવે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તેનો પગ પેસારો કરી ચૂક્યો છે. જેને લઇને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ડો. સૌરભ સિંહે જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કેન્દ્ર રાજ્ય તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જે દિશા નિર્દેશો કોરોના વાઇરસ અને તેની સાવચેતી માટે જાહેર કર્યા છે તેનું પાલન કરવા માટે તાકીદ કરી હતી.
બેઠકમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલી તમામ રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓને કોરોના વાઇરસ અંગે બેંકના કર્મચારીઓને હાથના મોજા માસ્ક અને સેનીટાઈઝર જેવી વ્યવસ્થા પૂરી પાડવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ બેંકમાં નાણાકીય વ્યવહાર કરવા આપતા તમામ ખાતેદારો વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે તે બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ દરેક ખાતેદાર બેંકમાં પ્રવેશ કરે તે પૂર્વે તેને ફરજિયાત સેનીટાઈઝ કરવો તેવા પણ આદેશો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બેંકના મહિલા વયોવૃદ્ધ અને દિવ્યાંગ ખાતેદારો માટે ખાસ વ્યવસ્થા કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમજ જો શક્ય બને તો મહિલા વયોવૃદ્ધ અને દિવ્યાંગ ખાતેદારોને બેન્કિંગ વ્યવસ્થા ઘરબેઠા મળે તે પ્રકારનું આયોજન કરવા આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો આગળ આવે તે પ્રકારે સૂચનાઓ પણ આપવામાં આવી હતી આજની બેઠકમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ડો સૌરભ સિંઘ અને શહેર તેમજ જિલ્લાની તમામ બેંકોના વડાઓએ હાજર રહીને કોરોના વાઇરસ સામે લડવા તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.