જૂનાગઢ જનતાનો લોકમત ભારત તરફી હતો, જનતાએ ભારતને બે લાખથી વધુ મતો આપ્યા હતા જૂનાગઢઃ જૂનાગઢને નવાબી શાસનમાંથી 9મી નવેમ્બર 1947ના રોજ મુક્તિ મળી હતી. હવે જૂનાગઢની જનતાએ નક્કી કરવાનું હતું કે ભારતમાં જોડાવું કે પાકિસ્તાનમાં. આ સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા ભારતના વન એન્ડ ઓનલી આર્યનમેન અને મુત્સદ્દી રાજકારણી સરદાર વલ્લભભાઈ પટેલ. તેમણે ભવિષ્યમાં કોઈ આંગણી ના ચીંધી જાય અને કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે જૂનાગઢની જનતાનો લોકમત મેળવા રેફ્રેન્ડમ(એક પ્રકારનું મતદાન)નું આયોજન કર્યુ હતું.
આજના દિવસે 1947માં જૂનાગઢ થયું હતું મુક્તઃ 15 મી ઓગસ્ટ 1947ના રોજ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું. આ દિવસે જૂનાગઢ ના નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરીને સૌને હચમચાવી મુક્યા હતા. નવાબની આ જાહેરાત બાદ સરદાર પટેલ અને આરઝી હકુમતના સૈનિકો દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની ચળવળ શરૂ કરવામાં આવી હતી. જેમાં શામળદાસ ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં આરઝી હુકુમતના લડવૈયાઓને સફળતા મળી હતી. આ સફળતાને પરિણામે 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ સ્વતંત્ર બન્યું હતું.
લોકમત માટેની તૈયારીઓઃજૂનાગઢની જનતાનો લોકમત મેળવવા માટે 20મી ફેબ્રુઆરી 1948ના રોજ રેફ્રન્ડમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢની સાથે માંગરોળ, માણાવદર, બાટવા, સરદાર ગઢ અને બાબરિયાવાડની જનતાએ પણ મતદાન કર્યુ હતું. આ મતદાન માટે ચૂંટણી અધિકારી તરીકે સી.બી. નાગરેકરની ખાસ નિમણુક કરવામાં આવી હતી. ઠેર ઠેર પોલિંગ બૂથ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં વિશિષ્ટ પ્રકારના પોલિંગ બૂથનો પણ ઉપયોગ કરાયો હતો. જેમાં પુરુષો અને મહિલાઓને મતદાન માટે અલગ અલગ પોલિંગ બૂથ હતા. આ ઉપરાંત લાજ કાઢતી અને બુરખો પહેરતી મહિલાઓ માટે પણ અલગ પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પોલિંગ બૂથમાં ભારત તરફી મતદાન કરવા માટે લાલ રંગની મતપેટી અને પાકિસ્તાન તરફી મતદાન કરવા માટે લીલા રંગની મતપેટી મુકવામાં આવી હતી. આ મતદાનનું કવરેજ કરવા માટે માત્ર ભારતના જ નહીં પણ વિદેશના પણ પત્રકારો ખાસ પધાર્યા હતા.
મતદાનનું પરિણામઃ 20મી ફેબ્રુઆરીએ થયેલા મતદાનની મતગણતરી 24મી ફેબ્રુઆરી 1948ના રોજ કરવામાં આવી હતી. આ મતદાનમાં ભારતને કુલ 2 લાખ 22 હજાર 182 મતો અને પાકિસ્તાનને કુલ 130 મતો મળ્યા હતા. આ મતદાનમાં જૂનાગઢ પંથકની જનતાએ ભારત તરફી ખોબલે ખોબલે મતદાન કર્યુ હતું.
સરદાર પટેલની આગેવાનીમાં આરઝી હકુમતના લડવૈયાઓને સફળતા મળી અને 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ સ્વતંત્ર બન્યું હતું. ત્યારબાદ મુત્સદ્દી એવા સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢની જનતાનો લોકમત મેળવવા માટે મતદાનનું આયોજન કર્યુ હતું. આ મતદાનમાં ખાસ ચૂંટણી અધિકારી તરીકે સી. બી. નાગરેકરની નિમણુક કરવામાં આવી હતી. જૂનાગઢની જનતાએ ભારત તરફી ભારે મતદાન કરીને ભારતમાં જોડાવવાનો લોકમત આપ્યો હતો...પ્રદ્યુમન ખાચર(ઈતિહાસકાર, જૂનાગઢ)
- Sardar Patel Birth Anniversary: સરદાર વિના જૂનાગઢની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, શું કહે છે સ્વાતંત્ર્ય સેનાની હેમાબેન આચાર્ય..?
- Mahabat Maqbara : જૂનાગઢનો સદી જૂનો મહોબત મકબરો, એવી ધરોહર જેમાં છે અદ્ભૂત સ્થાપત્ય અને વારસો