જૂનાગઢમાં જળતાંડવની તબાહીના દ્રશ્યો, તમામ માર્ગો પર બે ફૂટથી વધુ પાણી, લોકોના અનાજ તણાયું જૂનાગઢ : સોરઠમાં અતિભારે વરસાદ પડ્યો છે. જેને લઈને કાળવા નદી કાંઠા વિસ્તારના આવતા મોટાભાગના વિસ્તારોમાં થોડા ઘણા અંશે નુકસાન થઈ છે. ખાસ કરીને વર્ષો જૂના મકાનો હતા તેને ખૂબ નુકસાન થયું છે. જેને કારણે આ વિસ્તારના રહીશોને ઘરના સામાન સહિત અનાજ અને મકાન જેવી ખૂબ મોટી નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો.
સંપૂર્ણપણે તબાહ :જૂનાગઢમાં આજે રીતસર જળતાંડવ જોવા મળ્યું હતું. બપોરના 12:00 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સાંજના પાંચ વાગ્યા સુધી સાંબેલાધાર પડ્યો હતો. જેને કારણે જુનાગઢ શહેર જળમગ્ન બની ગયેલું જોવા મળતું હતું. ગિરનાર પર્વત પર પડેલા 20 ઇંચ કરતા વધુ વરસાદને કારણે મોટાભાગનું પાણી જૂનાગઢ શહેરમાંથી પસાર થયું છે. જેને કારણે કાળવા નદીના કાંઠે આવેલા રહેણાંક મકાનોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વર્ષો જૂના કેટલાક મકાન પાણીના ધસમસતા પ્રવાહ સામે ઝીંક ઝીલી નહીં શકતા તે ધ્વંશ થયા હતા. તો મકાનમાં રહેલો સામાન અનાજ સહિત તમામ ચીજ વસ્તુઓ ધસમસતા પાણીના પ્રવાહની સામે જાણે કે શરણાગતિ સ્વીકારી હોય તે પ્રકારે સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા.
કાર બાઈક તણાયા : જૂનાગઢના મોટાભાગના વિસ્તારો બપોરના 12થી 5:00 વાગ્યા દરમિયાન જળ તાંડવના શિકાર બન્યા હોય તેવા અહેવાલો સમગ્ર જૂનાગઢ શહેરમાંથી મળી રહ્યા છે. શહેરનો મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે કાર બાઈક સહિત તમામ ચીજ વસ્તુઓને જાણે કે તણખલાની માફક ઉઠાવીને ફેંકી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા.
બે ફૂટ કરતા વધારે પાણી :જળતાંડવને કારણે જૂનાગઢના તમામ માર્ગ બે ફૂટ કરતા વધારે પાણીથી ભરેલો જોવા મળતો હતો. વરસાદની તીવ્રતા અને ગિરનાર પર્વત પરથી આવી રહેલું અતિ ભારે પ્રવાહી પાણી જુનાગઢ શહેરને જળમગ્ન કરતું રહ્યું, બપોરના 12થી સાંજના 5 કલાક સુધી જુનાગઢ વાસીઓ કુદરતના જળ તાંડવને દિગ્મૂઢ બનીને જોઈ રહ્યા હતા. સાંજના પાંચ કલાક બાદ વરસાદે વિરામ લીધો, ત્યારબાદ મોટાભાગના વિસ્તારમાં એકમાત્ર જળ તાંડવની તબાહી જોવા મળતી હતી.
- Banaskantha News : બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ડેમનું પાણી છોડવામાં આવ્યું, જિલ્લામાં ખુશીની લહેર
- Amreli Rain : અમરેલીમાં ભારે વરસાદથી ઉપરવાસનું પાણી આવતા ડેમો છલકાયાં, તંત્ર દ્રારા લોકોને એલર્ટ કરાયા
- Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા 1982ની હોનારત જેવા દ્રશ્યો સર્જાયા