પીપળાના પાન પર રંગ ભરી આબેહૂબ ચિત્ર બનાવતા કલાકાર જૂનાગઢ:વિનોદ પટેલ જીવનના 68 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. તેમ છતાં તેઓનો કલાકાર જીવ આજે પણ અવનવા રંગોની શોધ કરે છે. ત્રણ પેઢીથી ચિત્ર કલાકારી સાથે સંકળાયેલા વિનોદ પટેલ ખુબ જ અનોખી અને સૌને આશ્ચર્યચકિત કરી મૂકતી કલા ધરાવે છે. તેઓ પીપળાના પાન પર આબેહુબ ચિત્રો બનાવીને પોતાના શોખની સાથે અદભુત ચિત્રકલા વારસાના દર્શન પણ કરાવે છે. વિનોદભાઈ આજે 68 વર્ષની ઉંમરે પણ હાથમાં બ્રશ, આંખો પર ચશ્મા અને કલાકારની માફક માથા પર ટોપી લગાવીને ચિત્રકલામાં મશગુલ બનેલા જોવા મળે છે.
બેજોડ કલાકાર :વિનોદભાઈ પટેલે મુંબઈ સ્થિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં 1973 માં તાલીમ માટે પ્રવેશ મેળવ્યો હતો. છ વર્ષની તાલીમ વર્ષ 1979 માં તેઓએ પૂર્ણ કરી હતી. ત્યારબાદ ચિત્ર કલાકારીમાં પોતાની જાતને જોડી દીધી છે. તેઓ પીપળાના પાન પર ધીરજ માંગી લેતી કલાકારીને આકાર આપે છે. તેઓ ખૂબ જ કુશળતાપૂર્વક પીપળાના પાન પર કોઈ પણ ચિત્રને આબેહૂબ ઉપસાવી રહ્યા છે.
ચિત્રકલાકારીનો આ વારસો ત્રીજી પેઢીથી મારા પરિવારમાં જોવા મળે છે. અત્યાર સુધી અનેક ચિત્રો બનાવ્યા છે. જૂનાગઢના લોકો સહિત હાલ વિદેશમાં સ્થાયી થયેલા લોકો પણ અહીં આવીને તેમના ચિત્રો પીપળાના પાન પર બનાવીને પરદેશ લઈ જાય છે.-- વિનોદભાઈ પટેલ (ચિત્ર કલાકાર)
અદ્ભૂત ચિત્ર : તાજેતરમાં જુનાગઢ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનોદભાઈએ તૈયાર કરાયેલું ચિત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું. આ સિવાય વિનોદભાઈ પટેલે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આંબેડકર સહિત ભારતના અનેક નામી-અનામી વ્યક્તિઓના ચિત્રોને પીપળના પાન પર ઉપસાવીને ચિત્ર કલાકારીના અદભુત દર્શન પણ કરાવ્યા છે. રાષ્ટ્રીય તહેવારો અને જન નાયકોના પ્રસંગો સાથે સંકળાયેલા ચિત્રો પણ તેઓ બનાવી રહ્યા છે.
ધીરજ અને કુશળતા : પીપળાના પાન પર ચિત્રો ઉપસાવા વાંચવામાં સહેલું લાગે છે. પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ કરવું ખૂબ જ મુશ્કેલ છે. ખૂબ જ મોટી પહોળાઈ ધરાવતા પીપળના પાનને શોધવા અતિ મુશ્કેલ છે. પાન મળી જાય પછી તેને ચિત્રકામ કરી શકાય તે સ્થિતિ સુધી લઈ જવા ખૂબ જ મુશ્કેલ છે. 20 દિવસથી એક મહિના સુધી પાનને ચોખ્ખા કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં કોઈપણ ચિત્રનો સ્કેચ તૈયાર કરીને પાનને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રકારે તેમાં કલર ઉમેરવામાં આવે છે. પાનના રેશાઓમાં ચિત્ર ઉપસાવવું ખૂબ જ કઠિન માનવામાં આવે છે. તેમ છતાં વિનોદભાઈ આજે પીપળાના પાનના રેશાઓની વચ્ચે કલાકારીનો અદભુત અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ રેશાઓની વચ્ચે રંગ ભરીને અદભૂત ચિત્ર ઉપસાવી રહ્યા છે.
વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ : વિનોદભાઈ આગામી દિવસોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ સામેલ થાય તે માટે પ્રયાસ કરવાના છે. તેઓ એક વિશેષ પ્રકારના ચિત્રની તૈયારી કરી રહ્યા છે. જો તેમાં સફળતા મળશે તો પીપળાનું પાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચિત્રના માધ્યમથી પ્રસ્થાપિત થતું જોવા મળશે. તેનું ગર્વ જુનાગઢ પણ લઈ શકશે.
- Historical architecture: જૂનાગઢમાં મૌર્ય સામ્રાજ્ય વખતના ઉપરકોટના કિલ્લામાંથી કડી વાવ મળી આવી
- ગુજરાતની ગૌરવસિદ્ધિ : યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ