જૂનાગઢ : જમીન રીસર્વેનું ભૂત હજુ પણ ધૂણતું જોવા મળી રહ્યું છે. પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી ખેડૂતો જમીન રીસર્વેને લઈને પડતી મુશ્કેલીનું નિરાકરણ થાય તે માટે જમીન રીસર્વે અધિકારીની કચેરીએ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક વખત ખેડૂતોને ધરમનો ધક્કો થતા ખૂબ જ રોષ અને ચિંતા સાથે ખેડૂતોએ અધિકારીની ખાલી ખુરશીને જમીન રીસર્વેમાં થયેલી અનિયમિતતા દૂર કરવા આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કર્યો હતો.
જમીન રીસર્વેનું ભૂત હજુ પણ ધૂણતુ જોવા મળ્યુ : પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી જમીન રીસર્વેને લઈને અનેક અનિયમિતતાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના ખેડૂતોની એજન્સી દ્વારા કરાવવામાં આવેલા જમીનના રીસર્વેને લઈને અનેક અનિયમિતતાઓ સામે આવી હતી, જેને લઈને જૂનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકામાં એજન્સી દ્વારા કરવામાં આવેલા રીસર્વે બાદ ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં રોષ જોવા મળે છે. 7/12 8/અ ના ઉતારા મુજબ ખેડૂતોની જમીનમાં વધારો કે ઘટાડો થયો છે. તો કેટલાક ખેડૂતોની જમીનના નકશામાં અકલ્પનીય રીતે ફેરફાર જોવા મળે છે. જેને કારણે ખેડૂતો જમીન રીસર્વે કચેરીએ આવીને તેમને થયેલી અનિયમિતતાને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. તેમ છતાં આજ દિન સુધી જમીન રીસર્વેમાં જે અનિયમિતતાઓ સામે આવી છે તે યથાવત રહેતા ખેડૂતોએ આજે રોષભેર જમીન માપણી અધિકારીની કચેરીએ અડીંગો જમાવ્યો હતો.
ખેડૂતોએ ખાલી ખુરશીને આપ્યું આવેદનપત્ર : જમીન રીસર્વેમાં જે અનિયમિતતાઓ સામે આવી છે ત્યારથી લઈને આજ દિન સુધી ખેડૂતો જમીન માપણી અધિકારીની કચેરીએ અવારનવાર જમીનનો રીસર્વે થાય તેવી માંગ સાથે રજૂઆતો કરતા રહ્યા છે. પાછલા એક વર્ષથી આ જ પ્રકારનો ઘટનાક્રમ ખેડૂતો અને સરકારી કચેરી વચ્ચે સતત જોવા મળે છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ થયું નથી. ત્યારે આજે વધું એક વખત ખેડૂતો ઉત્સાહ સાથે અધિકારીને મળવા માટે પહોંચ્યા હતાં. પરંતુ કચેરીમાં સાંજના 5:30 સુધી ખેડૂતોએ ધીરજ સાથે રાહ જોયા બાદ અધિકારી તેમની માંગ સાંભળવા માટે કે આવેદનપત્ર લેવા માટે ન આવતા ખેડૂતોએ અંતે ખૂબ જ રોષ અને ચિંતા સાથે અધિકારીની ખાલી ખુરશીને આવેદનપત્ર પાઠવીને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોએ વ્યક્ત કર્યો પ્રતિભાવ :જમીન રીસર્વેમાં થયેલી અનિયમિતતાઓને લઈને રજૂઆત કરવા માટે આવેલા ખેડૂતોના પ્રતિનિધિ તરીકે કિશોર પટોડીયાએ ઈ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પાછલા એક વર્ષથી જૂનાગઢ જિલ્લાનું ખેડૂત જમીન રીસર્વેમાં થયેલી અનિયમિતતાને કારણે ખૂબ જ મુશ્કેલીમાં છે. જમીનના નકશા બદલાઈ જવાને કારણે આસપાસના ખેડૂતો વચ્ચે પણ અણબનાવો સામે આવી રહ્યા છે. તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે અધિકારી કચેરીમાં હાજર રહ્યા ન હતા. જેથી અમે અમારી માંગ રોષ સાથે અધિકારીની ખાલી ખુરશીને વ્યક્ત કરીને અમારો વિરોધ વ્યક્ત કર્યો છે.
- Gujarat Government Big Decision : જમીન રી સર્વેમાં એજન્સીને 700 કરોડ ચૂકવ્યા બાદ હવે ફરીથી આ કારણોસર કરાશે રી સર્વે
- Gujarat Assembly 2022 : રાજ્યના કેટલાક ગામોમાં ગૌચર જ નહીં, રી સર્વે બાદ જમીનના ક્ષેત્રફળમાં ઘટાડો..!