જૂનાગઢ : ગત 24 જૂલાઇને સોમવારના દિવસે જૂનાગઢ શહેરમાં કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા તેમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મકાનના કાટમાળમાં દબાઈ જવાને કારણે મોત થયા હતા. જેને લઇને જુનાગઢ મનપા હવે સફાળી જાગી હોય તે પ્રકારે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા જર્જરીત મકાનોને ઉતારી પાડવા ને લઈને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.
Junagadh News : જર્જરિત મકાન માલિકો સામે જુનાગઢ મનપા દાખલ કરાવશે પોલીસ ફરિયાદ, અંતિમ નોટિસ કરાઈ જાહેર - Junagadh News
ગત સોમવાર અને 24 તારીખના દિવસે જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં જર્જરીત મકાન ધરાશાયી થતા તેમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. ત્યારે સફાળી જાગેલી જુનાગઢ મનપાએ જર્જરીત મકાન માલિકોને નોટિસ પાઠવવાની શરૂઆત કરી છે. મકાન માલિકો જર્જરીત મકાનો નહીં ઉતારે તો તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની અંતિમ નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે.
![Junagadh News : જર્જરિત મકાન માલિકો સામે જુનાગઢ મનપા દાખલ કરાવશે પોલીસ ફરિયાદ, અંતિમ નોટિસ કરાઈ જાહેર Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-07-2023/1200-675-19138068-thumbnail-16x9-jnd.jpg)
જર્જરીત મકાનો ઉતારવામાં આવશે ; જુનાગઢ મનપાએ જાહેર કરેલી અંતિમ નોટિસમાં કોઈ પણ મકાન માલિક કે જેનું મકાન અથવા તો મિલકત જર્જરીત છે તેને તાકીદે ઉતારી લેવી અન્યથા જુનાગઢ મનપા આવી મિલકતોને ઉતારી પાડશે અને તેનો ખર્ચ જે તે મકાન માલિક પાસેથી વસૂલવામાં આવશે. વધુમાં આવા પ્રત્યેક મિલકત ધારકો સામે જુનાગઢ મનપા પોલીસ ફરિયાદ દાખલ કરશે જેના માટે સિનિયર ટાઉન પ્લાનર અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 54 ઇમારતો ઉતારી લેવાય :જુનાગઢ મનપાના જનસંપર્ક અધિકારી દ્વારા માધ્યમોને કાગળ સ્વરૂપે વિગતો આપવામાં આવી છે. તે મુજબ 24 તારીખથી લઈને અત્યાર સુધીમાં કુલ 396 જેટલી જર્જરીત મિલકત અને મકાનોને બીપીએમસી એક્ટ 1949ની ધારા નંબર 264 અન્વયે મકાન માલિકો વિરુદ્ધ નોટિસો આપવામાં આવી છે. 30 તારીખ સુધીમાં 396 પૈકી 54 મિલકતો ઉતારી લેવામાં આવી છે. વધુમાં 18 મિલકતનું નળ કનેક્શન કાપવામાં આવ્યું છે. 45 જેટલી ઇમારતોમાં વીજળીનો પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયામાં પાંચ કોન્ટ્રાક્ટરની સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 35 કરતા વધુ અધિકારી અને કર્મચારીઓ જર્જરિત મકાનોને ઉતારી પાડવાની કામગીરીમાં લાગેલા જોવા મળે છે.