3 દિવસથી નવા કપાસની આવક શરુ જૂનાગઢઃ છેલ્લા 3 દિવસથી જૂનાગઢ APMCમાં નવા કપાસની આવક શરુ થઈ ગઈ છે. ખેડૂતોને કપાસના ગુણવત્તા પ્રમાણે સારા ભાવ પણ મળી રહ્યા છે. જેમાં ઊંચા ભાવ 1616 રુપિયા પ્રતિ મણ(20 કિલો) અને નીચા ભાવ 1275 રુપિયા પ્રતિ મણ(20 કિલો) મળ્યા છે. આ ભાવથી ખેડૂતો ખુશખુશાલ છે.
ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ દિવાળી બાદ પણ કપાસની આવક વધશેઃ દિવાળીના તહેવારો બાદ કપાસની આવકમાં વધારો થવાની સંભાવના છે. આ કપાસ પણ ગુણવત્તાયુક્ત હોવાથી તેને સારો ભાવ મળી રહેવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. કપાસની જાહેર હરાજી શરૂ થયાને માત્ર ત્રણ દિવસ થયા છે. આ હરાજીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તેથી આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં કપાસની આવક વધવાની છે તેમજ કપાસનો યોગ્ય ભાવ મળશે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં હજુ બે દિવસ હરાજી ચાલશે ત્યારબાદ દિવાળી વેકેશન શરુ થશે.
છેલ્લા 3 દિવસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ થઈ છે. આ ત્રણ દિવસો દરમિયાન 1616 જેટલો ઊંચો અને 1275 જેટલો નીચો બજાર ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. દિવાળી બાદ કપાસની આવક વધતા પાકના બજાર ભાવ હજૂ પણ વધવાની શક્યતા છે...દિવ્યેશ ગજેરા(સચિવ, જૂનાગઢ APMC)
કૃષિ પેદાશોના બજાર ભાવો મોટે ભાગે આવક અને તેની માંગ પર આધારિત હોય છે. આવી પરિસ્થિતિમાં દિવાળી બાદ નવા વર્ષમાં કપાસની આવક અને તેની માંગને લઈને બજાર ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે પરંતુ આજના દિવસે જે ભાવો કપાસના ખેડૂતોને મળ્યા છે તેને લઈને ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે...પી.એસ. ગજેરા(ખેડૂત અને વેપારી આગેવાન, જૂનાગઢ)
- આગામી શુક્રવારથી રવિવાર સુધી જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
- સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં જૂનાગઢની ખુલ્લી બજારમાં મગફળીના વધુ ભાવ..!