જૂનાગઢ : ઇન્ટરનેશનલ મધર્સ ડે પર જૂનાગઢવાસીઓ પણ પોતાની માતાના સંસ્મરણો વાગોળી રહ્યાં છે. જેમાં જોશી પરિવારની ત્રણ પુત્રીઓનો માતૃપ્રેમ કંઇક અનોખો જણાઇ આવશે. કારણ કે આ ત્રણે પુત્રીઓએ પોતાની દિવંગત માતાની સ્મૃતિ સદા જળવાઈ રહે તે માટે ઘરમાં તેની પ્રતિમાનું સ્થાપન કરીને દરરોજ સુખદુઃખના પ્રસંગોમાં માતાની સૂક્ષ્મ ઉપસ્થિતિનો અહેસાસ કરીને તમામ સમસ્યાનું નિરાકરણ મેળવતી રહી છે.
માતાની પ્રતિમાની પુત્રીઓ દ્વારા પૂજા : ઇન્ટરનેશનલ મધર્સ ડે 2023ની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આ દિવસની દુનિયાભરમાં ઉજવણી કરવાની પરંપરા જૂનાગઢમાં જોવા મળે છે. માતા અને સંતાનો વચ્ચેના અટૂટ નાતાની ગાથાઓ કહેવા સાંભળવાના મહિમામાં જૂનાગઢમાં રહેતી જોષી પરિવારની ત્રણ દીકરીઓની વાત પણ કરી શકાય જેમણે માતાની પૂર્ણ કદની પ્રતિમા બનાવીને તેમની સમક્ષ હોય તે રીતે જ તમામ કામકાજ કરે છે.
- World Mother Day 2023 : ઓટીસ્ટિક દીકરી માટે અતિવિષમ સંજોગોમાં પણ બન્યાં ડિસ્કલેેશિયા થેરાપિસ્ટ, માતા લતા ઐયરની સંઘર્ષકથા
- Mothers Race in Brhamanvada : પુત્રના સારા સ્વાસ્થ્યની કામના માટે જ્યાં વિદેશથી આવીને માતાઓ લગાવે છે દોડ
- કચ્છના મોરા ગામમાં નિઃસંતાન 70 વર્ષનાં મહિલાએ લગ્નના 45 વર્ષ બાદ બાળકને આપ્યો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ
દરેક દિવસ મધર ડે :તેઓએ પોતાની માતા હીરાબેન જોશીની સ્મૃતિ અને તેમના આશીર્વાદની સાથે અનુભૂતિ સતત જળવાઈ રહે તે માટે આજથી બે વર્ષ પૂર્વે માતાની પૂર્ણ કદની પ્રતિમા ઘરમાં બેસાડી છે. દિવસના ત્રણ વખત માતાની પ્રતિમાની પૂજા આરતીની સાથે ભોજન ધરાવવા સહિત તમામ સુખ દુઃખના કાર્યોમાં માતાને હાજર રાખીને હીરાબેન જોશીની ત્રણેય પુત્રીઓ જીયા કલ્પના અને સોનિયા જોશી માતાની પૂજા કરી રહી છે.
આજના આધુનિક સમયમાં મધર દિવસના દિવસે વૃદ્ધાશ્રમમાંથી એક વૃદ્ધ માતા કે પિતા ફરી તેના ઘરે પરત ફરે તેનાથી મોટી ઉજવણી આજના દિવસની ન હોઈ શકે. વૃદ્ધાશ્રમ સભ્ય સમાજ માટે કલંકરૂપ છે. પ્રત્યેક સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થા અને અંતિમ દિવસો દરમિયાન સાચી સેવા કરે તો માતા કે પિતા દિવસની ઉજવણી કરવાનો સમય આપણે નહીં જોવો પડે. પ્રત્યેક સંતાન પોતાની નૈતિક ફરજ ગુમાવતા જાય છે જેથી સભ્ય સમાજમાં માતાપિતાનું સ્થાન અને તેની સ્થિતિ સતત ચિંતાજનક છે... જીયા જોષી (હીરાબેન જોશીનાં પુત્રી)