જૂનાગઢ : જૂનાગઢમાં આવેલો મહોબત મકબરો એક સદી કરતા પણ વધારે કાળનિર્ગમન કરી ચૂક્યો છે. સદી જૂનું આ બાંધકામ નવાબી હૈદરાબાદી લખનવી ફ્રેન્ચ અને ઈન્ડો ઇસ્લામિક બાંધકામના સ્થાપત્ય તરીકે આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જૂનાગઢના મહોબ્બત મકબરાને ગુજરાતના તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઐતિહાસિક વારસાને નિહાળવા સમગ્ર વર્ષ દરમિયાન દેશ અને દુનિયાના અનેક પ્રવાસીઓ જોવા માટે આવતાં હોય છે.
ગુજરાતનો તાજમહેલ મહોબત મકબરો : જૂનાગઢમાં આવેલો મહોબત મકબરો કલા વારસાના સ્થાપત્ય સાથે આજે 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી સ્થાપત્યની સાથે જૂનાગઢ અને નવાબી શાસનના ઇતિહાસને સમેટીને ઉભેલો જોવા મળે છે. વર્ષ 1890 માં મહોબત મકબરાનું બાંધકામ નવાબ રસુલખાનજી બીજા દ્વારા કરાવવામાં આવ્યું છે. આ મકબરો આજે પહેલાના સમયની સ્થાપત્યના પ્રતીક બનવા સાથે કલા વારસાને ઉજાગર કરતો તેમજ દેશ અને દુનિયાના પ્રવાસીઓને ભારતનું સ્થાપત્ય અને રાજા રજવાડાંઓના ઇતિહાસના દર્શન પણ કરાવી રહ્યો છે.
જૂનાગઢનો મહોબત મકબરો ગુજરાતના તાજમહેલ તરીકે સદીઓથી ઓળખાઈ રહ્યો છે. જુનાગઢના નવાબ રસુલખાનજી બીજા દ્વારા આ મકબરાનું નિર્માણ વર્ષ 1890 માં કરાવવામાં આવ્યું છે તેવું ઇતિહાસના પાના પર નોંધવામાં આવ્યું છે. વધુમાં આ મકબરો બાંધકામની અનેક શૈલીનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જેને કારણે તે સમગ્ર દેશની સાથે વિદેશના પ્રવાસીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે... હરીશ દેસાઈ(ઇતિહાસકાર)
બાંધકામનો ઇતિહાસ :જૂનાગઢના નવાબ રસુલખાનજી બીજા દ્વારા મહોબ્બત મકબરાનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું. 1890માં મહોબત મકબરાના બાંધકામ પાછળ 01 લાખ 19 હજાર 927 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. જેમાં જાલણસર રાજ્યની 25 હજાર કોરી તેમજ ગોલાધર રાજ્યની 05 હજાર કોરી મળીને કુલ 30 હજાર કોરી ખર્ચ થયો હતો. જે તે સમયે 8000 રૂપિયા જેટલું મૂલ્ય ગણવામાં આવ્યું હતું. મહોબત મકબરાના બાંધકામનું સમગ્ર કામ જૂનાગઢના નવાબ મહોબત ખાન બીજાના કમાન્ડિંગ ઓફિસર મીર ઈમરત શેખની સંપૂર્ણ દેખરેખ નીચે કરવામાં આવ્યું હતું.
એક સાથે અનેક શૈલીનું બાંધકામ :મહોબત મકબરાનું બાંધકામ એક સાથે અનેક શૈલીઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું પાડે છે. તેનુ બાંધકામ ઈન્ડો ઇસ્લામિક સ્થાપત્ય સાથે પણ જોડાયેલું છે. જેને કારણે મહોબત મકબરાને અલગઅલગ દિશામાંથી જોવામાં આવે તો દર વખતે તે અલગઅલગ જોવા મળે છે. મકબરાની બારી અને દરવાજાનું બાંધકામ 4 શૈલીમાં કરવામાં આવ્યું છે. આ મકબરાના બાંધકામમાં લખનવી, નવાબી હૈદરાબાદી અને ફ્રેન્ચ કલા વારસાને પણ સ્થાપત્યમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને કારણે જૂનાગઢનો મહોબત મકબરો એક સાથે પાંચ કરતાં વધુ બાંધકામ સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના તરીકે નોંધપાત્ર બની રહ્યો છે.
નવાબી કાળની યાદ અપાવતી ઇમારત જૂનાગઢ આમ તો સાધુઓનું પિયર તરીકે માનપાન પામે છે અને સાચા અર્થમાં સોરઠની સાચી ઓળખ આપે છે. ત્યારે જૂનાગઢ નવાબોનું શહેર આ ઇમારતની શાખના કારણે પણ કહેવાતું રહ્યું છે. આ સોરઠી ભૂમિમાં નવાબી કાળની યાદ અપાવતા કેટલાક સ્થાપત્યો હજુ હયાત છે, તેમાં જૂનાગઢના નવાબ મહોબતખાન બીજાની કબર પર બાંધવામાં આવેલો મહોબત મકબરો પણ શામેલ છે. આ મકબરાનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે, જેમાં નજર નાખતાં જ લખનઉ અને હૈદરાબાદના ઈસ્લામી સ્થાપત્યોનો બેનમૂન સમન્વય જોવા મળે છે. આ નજારો તે ઐતિહાસિક કલા સ્થાપત્યનું ઉદાહરણ છે કે, જેને એક નજરે જોવા આજે પણ દેશ વિદેશના પર્યટકો લાખોની સંખ્યામાં ઉમટી આવે છે.
- ગુજરાતનો 'તાજમહેલ', જૂનાગઢનો મહોબત મકબરો
- ગુજરાતી તાજમહેલ ‘મહોબત મકબરો’, જુઓ વીડિયો...
- વિશ્વ હેરીટેજ દિવસ પર નિહાળો જૂનાગઢનો તાજ મહલ - મહોબત મકબરો