જુનાગઢ : આગામી રવિવારે રાજ્ય સ્તરની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે. ત્યારે જુનાગઢમા યોજાતી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા અન્ય સ્પર્ધાઓ કરતા અલગ પડે છે. ગિરનારની માફક ચોટીલા પાવાગઢ ઈડર અને ઓસમ પર્વત પર પણ આ પ્રકારની રાજ્ય સ્તરની સ્પર્ધા યોજાય છે. પરંતુ ગિરનારની સ્પર્ધા સાહસિક વૃત્તિ અને તેના અંતરને લઈને સૌથી અલગ બને છે.
રવિવારે છે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા : આગામી રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે. પાછલા ઘણા વર્ષોથી જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે ગિરનારની આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ગિરનારની આ સ્પર્ધા ખૂબ જ રોચક ઇતિહાસ પણ ધરાવે છે. વર્ષ 1971માં સમૂહ માધ્યમના વર્તમાનપત્ર દ્વારા શરૂ થયેલી આ સ્પર્ધા વર્ષ 1979 બાદ રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સંચાલન શરૂ કરાતા આ સ્પર્ધા રાજ્યની સ્પર્ધા તરીકે જાહેર થઈ.
ગિરનાર સ્પર્ધા અન્ય કરતા અનોખી : ગિરનારની આરોહણ અને અવરોહણ સ્પર્ધા રાજ્યના અન્ય પર્વતીય વિસ્તારો જેવા કે પાવાગઢ ચોટીલા ઈડર અને ઓસમ પર્વત પર યોજાતી સ્પર્ધાઓ કરતા ખૂબ જ અલગ અને રોચક માનવામાં આવે છે. ગિરનાર પર સ્પર્ધકોએ સૌથી ઊંચાઈ પર જવાનુ હોય છે. જ્યારે અન્ય પર્વત પર સ્પર્ધકે પગથિયાની સાથે દોડીને પણ આ સ્પર્ધા પૂર્ણ કરી શકે છે. પરંતુ ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોએ પગથિયાં ચડવાની સાથે ઊંચાઈ પણ પ્રાપ્ત કરવાની હોય છે. આવી પરિસ્થિતિમાં આ સ્પર્ધા સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. વધુમાં આ સ્પર્ધાનું અંતર અન્ય સ્પર્ધા કરતા સૌથી દૂર હોવાને કારણે પણ તે વધુ રોચક પણ માનવામાં આવે છે.