જૂનાગઢ : લીલા શાકભાજી ટમેટા બાદ હવે સુકી ડુંગળી બજાર ભાવોમાં ઊંચકાઈ રહી છે. આજથી એક મહિના પૂર્વે લીલા શાકભાજી અને ટમેટાના બજાર ભાવ અત્યાર સુધીના ઐતિહાસિક સ્તરે જોવા મળતા હતા. એક મહિના સુધી બજાર ભાવોમાં ખૂબ જ તેજી જોવા મળી, ત્યારબાદ તેમાં ઘટાડો નોંધાયોને આજે શાકભાજી અને ટમેટા પ્રતિ કિલો 50 રુપિયાની આસપાસ વહેંચાઈ રહ્યા છે. તેમાં હવે ડુંગળી બળતામાં ઘી હોમી રહી હોય તે પ્રકારે પ્રતિ કિલોના બજાર ભાવોમાં પાછલા એક મહિનામાં 20 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. જે શાકભાજીના ભાવ ઘટાડાની અસરને ડુંગળીનો ભાવ વધારો બિનઅસરકારક બનાવી રહ્યો છે.
ભારે વરસાદને કારણે શાકભાજીનો પાક નિષ્ફળ રહ્યો હતો. પરંતુ વરસાદે વિરામ લેતા જ સ્થાનિક બજાર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી શાકભાજીની આવક હવે બિલકુલ પૂર્વવત બની રહી છે. જેને કારણે ટમેટા સહિત તમામ પ્રકારની લીલી શાકભાજીના બજાર ભાવ 50 રુપિયાની આસપાસ પ્રતિ કિલોએ જોવાઈ રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં શાકભાજીની આવકમાં વધારો થશે. જેને કારણે પણ પ્રતિ કિલોના બજાર ભાવોમાં હજુ પણ ઘટાડો નોંધાવાની પૂરી શક્યતાઓ છે...અલ્તાફ કચ્છી(શાકભાજીના વેપારી)
શાકભાજીના ભાવ ઘટ્યા તો ડુંગળીના ભાવો ઊંચકાયા : પાછલા એક મહિનાથી લીલા શાકભાજી અને ખાસ કરીને ટમેટા બજાર ભાવોને લઈને સામાન્ય લોકોની સૌથી મોટી પરેશાનીનું કારણ બન્યા હતાં. ટમેટા જૂનાગઢના ઈતિહાસમાં સૌથી મહત્તમ બજાર ભાવે વેચાતા હતાં. તો બીજી તરફ શાકભાજી પણ પ્રતિ એક કિલો સો રૂપિયાની આસપાસ જોવા મળતું હતું. લીલા શાકભાજીમાં જોવા મળતો વધારો 45 દિવસ સુધી રહ્યા બાદ હવે લીલા શાકભાજીનું બજાર ક્રમશઃ ખૂબ નીચે આવી રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં શાકભાજીના બજાર ભાવ વધુ તળિયે આવે તેવી શક્યતાઓ છે. તેની સામે હવે ડુંગળીના ઊંચકાઈ રહેલા બજાર ભાવ ગ્રાહકોની સાથે વેપારીઓની ચિંતા પણ વધારી રહ્યા છે.