વસ્ત્ર પરિધાનને લઈને નિયમ જૂનાગઢ:ફરી એક વખત હિન્દુ ધર્મસ્થાનો અને મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને નહીં આવવાનો નિયમ વધુ આગળ ધપી રહ્યો છે. ત્યારે ભવનાથ મંદિર દ્વારા આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ટૂંકા કપડા પહેરીને દર્શને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દ્વારકામાં પણ આ પ્રકારનો પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો છે. તો આજે ડાકોર મંદિરમાં પણ ટૂંકા વસ્ત્ર પહેરીને દર્શને ન આવવાના નિયમની અમલવારી શરૂ થઈ છે. જૂનાગઢ મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને ભક્તોએ દર્શનાર્થે નહીં આવવું તેવો આદેશ જાહેર કર્યો છે.
ભવનાથ મંદિર પરિસરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈ પણ દર્શનાર્થીઓએ દર્શન કરવા ન આવવું તે મંદિર પ્રશાસનનો નિર્ણય છે. પરંતુ વ્યક્તિગત રીતે પણ આ નિયમની અમલવારી યોગ્ય છે. કોઈપણ વ્યક્તિ તેમના સામાજિક કે અન્ય પ્રસંગોમાં પ્રસંગને અનુરૂપ વસ્ત્ર પરિધાન કરીને જતા હોય છે પરંતુ મંદિર પરિસરમાં કે ધાર્મિક સ્થાનોમાં દર્શન કરવા માટે આવતી વખતે મંદિર કે ધર્મસ્થાનોની અનુરૂપ વસ્ત્રો પહેરતા નથી. આ ખૂબ ચિંતાનો વિષય છે જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે..અતુલભાઇ દવે (ભવનાથ મંદિરના મેનેજર)
મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ : મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવાની સૂચનાઓ જારી થઇ રહી છે તેમાં જૂનાગઢનું ભવનાથ મંદિર પણ શામેલ થયું છે. તે મુજબ ગિરી તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરમાં પણ ટૂંકા કે અશોભનીય વસ્ત્રો પહેરીને કોઈ પણ દર્શનાર્થીએ મંદિર પરિસરમાં આવવું નહીં તે નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.
મહિલા ધારાશાસ્ત્રીએ આપ્યો પ્રતિભાવ : મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવાને લઈને જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી હેમાબેન શુક્લાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે..
મંદિરમાં કેવા પ્રકારના વસ્ત્રો પહેરીને પ્રવેશ મેળવવો તેવું કાયદામાં ક્યાંય પ્રસ્થાપિત નથી. પરંતુ લોકો સનાતન ધર્મની આમન્યા જળવાય તે પ્રકારના અને શરીર પૂરું ઢંકાઈ રહે તેવા વસ્ત્ર પરિધાન કરીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ તે વધારે યોગ્ય માનવામાં આવ્યું છે. જે દર્શનાર્થીઓ દક્ષિણ ભારત અથવા તો એવા મંદિરમાં દર્શન કરવા જાય છે કે જ્યાં પહેલેથી જ અશોભનીય કે ટૂંકા વસ્ત્રો પ્રતિબંધિત કરાયા છે ત્યાં પુરા અને શરીર ઢંકાઈ તેવા વસ્ત્ર પહેરીને દર્શન માટે જાય છે. પરંતુ જે મંદિરમાં આ નિયમ બનાવ્યો નથી. તેવા મંદિરમાં કેટલાક દર્શનાર્થીઓ અશોભનીય કે ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન કરવા જાય છે. જેને કારણે જે તે મંદિર કે ધાર્મિક સ્થાનોએ આ પ્રકારના નિયમનો અમલ કરાવવો પડે છે જે ખરેખર દુઃખની વાત છે...હેમાબેન શુક્લા(ધારાશાસ્ત્રી)
કાયદામાં આ પ્રકારની જોગવાઈ નથી : ભારતના કાયદામાં ધર્મસ્થાનોમાં કેવા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો તે પ્રકારની જોગવાઈ જોવા મળતી નથી. પરંતુ આમન્યા જળવાય તેમજ કોઈપણ મંદિર કે ધાર્મિક સ્થાનોની પવિત્રતાને અનુકૂળ હોય તે પ્રકારના અને શરીર પૂરું ઢંકાઈ રહે તેવા વસ્ત્ર પરિધાન કરીને ધાર્મિક સ્થાનો કે મંદિરોમાં પ્રવેશને વધારે ઇચ્છનીય માનવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં ખાસ કરીને યુવાન વર્ગના લોકો સનાતન ધર્મ સંસ્કૃતિ કે મંદિર તેમજ ધર્મસ્થાનોની પરંપરાને હાનિ પહોંચે તે પ્રકારે ટૂંકા કે અશોભનીય વસ્ત્રો પહેરીને મંદિર પરિસરમાં આવે છે. જેને લઈને હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રના મંદિરો દર્શનાર્થીઓના વસ્ત્ર પરિધાનને લઈને નિયમો બનાવીને તેનો અમલ કરવાની શરૂઆત કરી છે.
દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલેથી અમલ : દક્ષિણ ભારતના મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શનાર્થેથીઓએ ન આવવું તેનો ચુસ્તપણે અમલ વર્ષોથી થઈ રહ્યો છે. દક્ષિણ ભારતના મોટાભાગના મંદિરોમાં જતા દર્શનાર્થીઓ સ્વયં આ નિયમને અનુસરતા હોય છે. પરંતુ અન્ય રાજ્યમાં આ પ્રકારના નિયમ અનુસરવાને લઈને દર્શનાર્થીઓમાં ગફલત જોવા મળે છે. જેને કારણે સૌરાષ્ટ્રના મંદિરોમાં હવે ધીમે ધીમે અશોભનીય કે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર પરિસરમાં પ્રવેશ પ્રતિબંધ કરવાના નિયમની અમલવારી શરૂ થઈ છે.
- Kheda News : ડાકોર મંદિરમાં દર્શન માટે જતાં પહેલાં જાણવું જરુરી, ટૂંકા વસ્ત્રો નહીં પહેરાય
- Devbhumi Dwarka : દ્વારકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ, જો કોઈ ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે તો...
- Uttarakhand News: ઉત્તરાખંડના ત્રણ મોટા મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ