જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ NCP સહિત 150 કરતાં વધુ ઉમેદવારો તેમનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે. ચૂંટણી લડી રહેલા તમામ રાજકીય પક્ષોની સાથે નાના-મોટા અન્ય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારી નોંધાવેલા તમામ ઉમેદવારોએ તેમનું ઘોષણાપત્ર જૂનાગઢના મતદારો સમક્ષ મૂક્યું છે. ચૂંટણીના સમયે દરેક ઉમેદવાર અને તમામ રાજકીય પક્ષો તેમનુ ઘોષણાપત્ર તેમના મતદારો સમક્ષ મુકતા હોય છે. પરંતુ વર્તમાન રાજકીય પ્રવાહો અને પરિસ્થિતિમાં ચૂંટણીના સમયમાં આવું ઘોષણાપત્ર મતદારોને માત્ર લલચાવવા પૂરતું જ છે. તેવુ જૂનાગઢના જૂની પેઢીના મતદારો જણાવી રહ્યા છે.
આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવેલી બાબતો આવનારા સમયમાં જે તે રાજકીય પક્ષ કે ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહેશે તો તેમના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવેલું ઘોષણાપત્ર મુજબ કામ કરવામાં આવશે તેવું વચન જે તે વિસ્તારના મતદારોને આપવામાં આવતું હોય છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં જાહેર કરેલા ઘોષણાપત્ર લલચામણા ગણાવતા જૂની પેઢીના મતદારો આ ઘોષણાપત્રને ખૂબ જ અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે. જો કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ઘોષણાપત્રને ગંભીરતાથી અમલમાં મૂકે તો દર પાંચ વર્ષે દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારોએ તેમના ઘોષણાપત્રમાં વિસ્તારના વિકાસના કામોને લઈને અનેક નવી જાહેરાતો કરવી પડે જે-તે વિસ્તારના વિકાસ માટે ખૂબ જ હકારાત્મક કહી શકાય. પરંતુ હાલ જે પ્રકારે ઘોષણાપત્ર રજૂ કરવાની એક ફેશન ચાલી રહી છે. તેમાં જુનાગઢ મનપાની ચૂંટણીમાં પણ જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્ર પણ તે પૈકીનો એક ભાગ જ છે. ચૂંટણીના સમયે લોકોને લલચાવવા અને તેમના તરફી મતદાન થાય તેને લઈને રૂપકડી જાહેરાતો કરવામાં આવતી હોય છે. પરંતુ સત્તાસ્થાને બેસ્યા બાદ આ ઘોષણાપત્રની શરતો ઉમેદવારોના ધ્યાનમાં રહેતી નથી. તે ખરેખર દુઃખની વાત છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ NCP અને અપક્ષ મળીને કુલ ૧૫૦ કરતાં વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તમામ રાજકીય પક્ષો દ્વારા તેમના ઘોષણાપત્રમાં જે બાબતો મૂકી છે. તે લગભગ સમાન છે. તમામ ઘોષણાપત્રમાં જુનાગઢનો વિકાસ નરસિંહ મહેતા સરોવર પવિત્ર દામોદર કુંડ, ગીરનાર પરીક્ષેત્રની ભવ્યતા ઉપરકોટના કિલ્લાનનો વિકાસ અને સમારકામ તેમજ જૂનાગઢના રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ સફાઈ જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું ઘોષણાપત્રમાં રજૂ કર્યું છે. વર્ષ 2002માં જૂનાગઢ મનપાના બન્યા બાદ આવી જ શરતો અને વચનો જે તે સમયની ચૂંટણીથી લઈને આજ દિન સુધી કરવામાં આવ્યા છે. મોટા ભાગના વચનો આજે ઘોષણાપત્રના કાગળની બહાર નીકળી નથી શક્યા તે પણ એક નક્કર હકીકત છે.