ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ચકાસણીના સમયે હારૂનભાઇ સમા દ્વારા દર્શાવવામાં આવેલી વિગતો પ્રમાણે તેમને 3 સંતાનો હોવાને કારણે હવે તેઓ ચૂંટણી લડવાને પાત્ર નહીં થતાં તેમનું ફોર્મ સોમવારે રદ થયું છે. જેને લઇને જૂનાગઢ મનપાના વોર્ડ નંબર-3માં ભાજપના ત્રણ સત્તાવાર ઉમેદવારો ચૂંટણી લડશે. ચૂંટણી પરિણામો પહેલા ભાજપને એક કોર્પોરેટરની અત્યારે જ ખોટ પડી ગઈ છે.
પ્રદેશ ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં હારૂનભાઇ સમાની પત્ની મુમતાજ બેન સમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ યાદીમાં ભાજપના સિનિયર કોર્પોરેટર ભરત કારેણાને ચૂંટણી લડવા માટે પક્ષે આદેશ કર્યો હતો. પરંતુ ભરત કારેણાએ ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ભાજપે અહીંથી ઉમેદવારોની ફેરબદલી કરવાની ફરજ પડી હતી. જેમાં મુમતાજબેનની જગ્યા પર હારુન ભાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.