8 ધાર્મિક સ્થાનોને દબાણ હટાવવા આપી નોટિસ જૂનાગઢ:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક સ્થાનોને દબાણ હટાવવાને લઈને જે નોટિસ આપવામાં આવી હતી તેને લઈને ચોક્કસ ધર્મના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ ચોક્કસ સમાજના ધાર્મિક સ્થાનોને નહીં પરંતુ હિન્દુ-મુસ્લિમ ધર્મના આઠ જેટલા સ્થાનોને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવી છે.
આઠ ધાર્મિક સ્થાનોને નોટિસ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના આઠ જેટલા ધાર્મિક સ્થાનોને દબાણ હટાવવાને લઈને નોટિસ આપવામાં આવી છે. જેમાં શાંતેશ્વર વિસ્તારમાં આવેલું હનુમાન મંદિર, વાંજાવાડ વિસ્તારમાં આવેલું જુડવા હનુમાન મંદિર, ત્રિમૂર્તિ હોસ્પિટલ પાસે આવેલી રોશનપીર દરગાહ, દાણાપીઠમાં આવેલ હજરત જમીલશાહ પીર અને હઝરત ગેબનશાપીર એમ બે દરગાહને દબાણ હટાવવાને લઈને આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.
હિન્દુ-મુસ્લિમ ધર્મના ધાર્મિક સ્થાનોને નોટિસ: શહેરના સાબલપુર ચોકડી નજીક આવેલી દરગાહને પણ દબાણ હટાવવાને લઈને પુરાવા રજૂ કરવાનો આદેશ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો છે. બીજી તરફ તળાવ દરવાજા વિસ્તારમાં થોડા મહિનાઓ પૂર્વે જ બનેલ જલારામ મંદિરને પણ દબાણ હટાવવાને લઈને નોટિસ પાઠવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિન્દુ-મુસ્લિમ ધર્મના ધાર્મિક સ્થાનો કે જે સરકારી જગ્યા પર જોવા મળે છે તેને દબાણ હટાવવાને લઈને નોટિસ પાઠવીને તેમનો પક્ષ પાંચ દિવસમાં રજૂ કરવાની સમય મર્યાદામાં તાકીદ કરી છે.
શું બની હતી ઘટના?: શુક્રવારે રાત્રિના સમયે જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા વિસ્તારમાં ધાર્મિક સ્થાનને દૂર કરવાની લઈને પોલીસ અને કેટલાક ઉશ્કેરાય ગયેલા લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. તોફાની તત્વોએ પોલીસની કાર સહિત કેટલાક વાહનોમાં નુકસાન કર્યું હતું તેમજ પોલીસ કર્મચારીની બાઇકને આગને હવાલે કરીને ધાંધલ ધમાલ મચાવી હતી. જેના પર કાબુ કરવા માટે પોલીસે પ્રથમ લાઠીચાર્જ અને ત્યારબાદ ટીયર ગેસના સેલ છોડીને એકઠા થયેલા ટોળાને વેરવિખેર કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
- Junagadh News: જૂનાગઢની ઘટનાને વખળતો મુસ્લિમ સમાજ, તટસ્થ તપાસની કરી માંગ
- Junagadh News: જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને પોલીસ અને સ્થાનિકો વચ્ચે પથ્થરમારો, 31 મુખ્ય આરોપી સામે નોંધાઈ ફરિયાદ