રવિવારે જૂનાગઢ મનપા માટે સામાન્ય મતદાન યોજાયું હતું. જેમાં 49.68 જેટલું મતદાન થયું છે જે ગત લોકસભાની ચૂંટણી અને વર્ષ 2014માં યોજાયેલી જૂનાગઢ મનપાની ચૂંટણી કરતા 4.50 ટકા જેટલું ઓછું મતદાન યોજાયું છે. જેને લઈને સાશક પક્ષ ભાજપ માટે રાજકીય ગણિત બગાડી શકે તેમ છે. વોર્ડ નંબર 1 માં સૌથી વધુ 66.36 જ્યારે વોર્ડ નંબર 11 મા 31.27 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
જૂનાગઢમાં કમળ થોડુ કરમાયું, ભાજપના નેતાઓના વોર્ડમાં જ થયું ઓછું મતદાન - JND
જૂનાગઢ: મનપાના વોર્ડ નંબર 10 અને 11 મશરૂ કોટેચા અને ભીમાણીનું રાજકીય ગણિત બગાડી શકે છે. જૂનાગઢ મનપાના 15 વોર્ડ પૈકી સૌથી ઓછું મતદાન આ બંને વોર્ડમાં થયું છે. આ વોર્ડમાં નિરસ કહી શકાય તેવું 33 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું છે.
જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 10 અને 11 ને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીંથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા નથી ત્યારે આ ચૂંટણીમાં અહીંથી સૌથી ઓછું મતદાન અનુક્રમે 33.39 અને 31,27 ટકા મતદાન થયું છે. આ બન્ને વોર્ડ માંથી જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને પ્રથમ મેયર મહેન્દ્ર મશરૂ ડે, મેયર ગિરીશ કોટેચા શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી અને નગર પાલિકાના પૂર્વ પ્રમુખ આરતી જોશી ચૂંટણી લડી રહ્યા છે.
વિકાસના કામોને લઈને આ વિસ્તારમાં ચૂંટણી પૂર્વે લોકોનો રોષ પણ બહાર આવ્યો હતો. જન જાગૃતિ કેન્દ્ર દ્વારા ભાજપના કોઈ પણ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે નહિ આવવાના બેનરો દર્શવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેની મતદાન પર અસરો થઇ હોય શકે છે તેમજ સત્તા વિરોઘી જન આક્રોશ પણ મતદાનની ટકાવારી પર વિપરીત અસર પાડી હોય શકે છે. હવે જ્યારે મંગળવારે મત ગણતરી થવા જઈ રહી છે ત્યારે મશરૂ,કોટેચા અને ભીમાણીના રાજકીય શ્વાસ ત્યાં સુધી અનિયમીત રહશે તે ચોક્કસ છે.