ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદના પાણીનો સંગ્રહ કરવા યોગ્ય પગલા લેવાની જૂનાગઢના ધારાસભ્યોએ સરકાર સમક્ષ કરી માગ - સુજલામ સુફલામ યોજના

જૂનાગઢ શહેરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડતા જ મનપા વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડતો વેલિંગ્ડન અને આણંદપુર ડેમ ઓવરફલો થયા છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જળાશયો છલકાઇ જતા હોય તો બાકીના 90 ટકા જેટલા વરસાદનું પાણી વહીને દરિયા કે અન્ય બિનજરૂરી સોર્સમાં જશે. જેનો યોગ્ય ઉપયોગ કરવાની જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે.

વેલિંગ્ડન ડેમ
વેલિંગ્ડન ડેમ

By

Published : Jul 10, 2020, 8:23 PM IST

જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં પાછલા અઠવાડિયા દરમિયાન વરસાદ પડતા જિલ્લાના મોટાભાગના ડેમો વરસાદી પાણીની પુષ્કળ આવક થતા છલકી જવા પામ્યા હતા. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ વેલિંગ્ડન અને આણંદપુર ડેમ છલકાઈ જવા પામ્યો છે. ત્યારે હજૂ ચોમાસાની શરૂઆત છે. આવી પરિસ્થિતિમાં હવે પછીના વરસાદ પાણીનું પાણી ડેમમાંથી છલકાઈને વહી જશે. જે કારણે કાચા સોના સમુ નિર્મળ જળ દરિયા કે અન્ય જગ્યાએ વહી જશે જેનો કોઇ ઉપયોગ થઈ શકશે નહીં. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના ધારાસભ્ય દ્વારા સરકાર સમક્ષ પાણીના સંગ્રહને લઈને કોઈ આયોજન કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

આણંદપુર ડેમ ઓવરફ્લો

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું કે, વહી જતા વરસાદી પાણીને રોકવા તેમજ જળાશયોમાં વર્ષોથી જે કાંપ જમા થયો છે તેને દૂર કરીને ડેમની સંગ્રહ ક્ષમતા વધારવાની અનેક વખત રજૂઆતો વિધાનસભામાં કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા તે બાબતે કોઈ ગંભીરતા દાખવી ન હતી. આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મોટા ભાગના ડેમો છલકાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા ઉનાળા દરમિયાન સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવે છે. જેના થકી ચેકડેમો, તળાવો તેમજ અન્ય જળાશયો ઉંડા કરવાના કામો કરવામાં આવતા હોય છે. જો આ યોજના મારફતે મોટા ડેમો અને સિંચાઇ યોજનાને આવરી લેવામાં આવે તો ડેમોની જળસંગ્રહ શક્તિ વધશે જેનો ફાયદો રાજ્યના ખેડૂતો અને લોકોને ચોક્કસપણે થશે.

દાતાર પર્વતની કોતરોમાં આવેલો વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો

પાણી પહેલા પાળ બાંધવાની નિર્ણય શક્તિ ધરાવતા આપણા પૂર્વના શાસકોએ વર્ષો પહેલા મોટા ભાગનાં જળાશયોનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. તેમનો ધ્યેય પણ જળ સંચયનો જ હશે, પરંતુ વર્તમાન સમયના શાસકો જળસંચય માટે ડેમોને સાફ કરવા જેવું કામ પણ સમય રહેતા કરી શકતા નથી. જે આગામી દિવસોમાં પાણીના સંકટ માટે જવાબદાર બની શકે છે.

સરકારને વરસાદના પાણીનો સંગ્રહ કરવા યોગ્ય પગલા લેવાની જૂનાગઢના ધારાસભ્યે કરી માગ

6 જુલાઈઃ માત્ર 5 ઈંચ વરસાદમાં જૂનાગઢના વેલિગ્ડન અને આણંદપુર ડેમ ઓવરફ્લો

પાંચ ઇંચ વરસાદમાં જૂનાગઢની જીવાદોરી સમાન ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. છેલ્લા 48 કલાકથી જૂનાગઢ જિલ્લામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને કારણે જૂનાગઢના વેલિંગ્ડન અને આણંદપુર ડેમ ઓવરફલો થયા છે.

6 જુલાઈઃ જૂનાગઢઃ માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદ, રસાલા ડેમ થયો ઓવરફલો

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર 8 થી 12 ઇંચ સુધી ભારે વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકાર સર્જાયો છે. ભારે વરસાદથી શહેરનો રસાલા ડેમ ઓવરફલો થયો છે, તેમજ બાંટવા ડેમમાં સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પાણીનો જથ્થો ઠલવાતા વહેલી સવારે ખારાડેમના છ દરવાજા બે ફૂટથી વધુ ખોલવા પડ્યા છે. પાણી છોડવાથી કોડવાવ, એકલેરા સહિત પાંચ ગામનો રસ્તો બંધ થયો છે અને ગામ વિખુટા પડ્યા છે. બુરી જીલાણામાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી રસ્તામાં પાણી ફરી વળ્યા હતા. પાજોદ તરફ 24 કલાકમાં 12 ઇંચ વરસાદ, કોડવાવમાં 10, ગળવાવ મટીયાણામાં 8, તેમજ માણાવદરમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે.

7 જુલાઈઃ દાતાર પર્વતની કોતરોમાં આવેલો વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો

છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેર અને દાતાર પર્વત પર પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ સતત બે દિવસથી ઓવરફલો થઇ રહ્યો છે. જેને લઇને ડેમ સાઈટ પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો ડેમ સાઇટ પર આવીને કુદરતી સૌંદર્યને માણી રહ્યા છે.

આજથી 100 વર્ષ પહેલા વિદેશી શાસકોએ આ ડેમનું નિર્માણ કર્યું હતું. દાતાર પર્વત માળાઓની કોતરોમાં આ ડેમ બનાવવામાં આવ્યો છે. જેને કારણે તેનું સૌંદર્ય હરહંમેશ ખીલેલું જોવા મળે છે. જે સમયે ડેમ બનાવવામાં આવ્યો હશે ત્યારે પણ તે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હશે. પરંતુ આજે જે પ્રકારે ડેમ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેને જોવા માટે લોકો ડેમ સાઈટ આવીને કુદરતના નજારાને માણી રહ્યા છે.

7 જુલાઈઃ જૂનાગઢનો દામોદર કુંડ છેલ્લા 48 કલાકમાં છ વખત થયો ઓવરફ્લો

જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર છેલ્લા 48 કલાકથી સતત અને ધીમી ધારે અવિરત મેઘ સવારી થઈ રહી છે. જેના કારણે ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો પ્રવાહ સતત ગિરિ તળેટી તરફ આવી રહ્યો હોવાથી પવિત્ર દામોદર કુંડ છેલ્લા 48 કલાકમાં છ વખત ઓવરફલો થયો છે. ગિરનાર અને તેની આસપાસની પર્વતમાળાઓ પર સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details