જૂનાગઢઃરાજ્યભરના વાતાવરણમાં અસામાન્ય પરિવર્તન જોવા મળ્યું છે. ત્યારે કેટલીક જગ્યાએ તો માવઠું પણ પડ્યું છે, જેની શરૂઆત ગઈકાલથી શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલીક જગ્યાએ વાદળછાયા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. આવા પ્રકારનું વાતાવરણ હજી આગામી દિવસો દરમિયાન જોવા મળશે. ત્યારબાદ ફરી એક વખત પ્રચંડ ગરમીની શરૂઆત થશે તેવું વર્તમાન વાતાવરણની પરિસ્થિતિને લઈને જૂનાગઢના હવામાન શાસ્ત્રી ડો. ધીમંત વઘાસીયા જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃRain in Bhavnagar: ક્યાંક ચણા જેવા કરા તો ક્યાંક માવઠું, ખેડૂતો ચિંતામાં ચૂર
દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારઃછેલ્લા 2 મહિના દરમિયાન દિવસ અને રાત્રિના તાપમાનમાં અસામાન્ય વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની પાછળ પણ વાતાવરણમાં આવેલા બદલાવને માનવામાં આવે છે, ફેબ્રુઆરી મહિનામાં ઠંડીની જગ્યા પર 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું, જેને અસામાન્ય મનાય છે. બીજી તરફ માર્ચ મહિનો કે જેને ઉનાળાનો સમય માનવામાં આવે છે. આવા સમયે તાપમાનમાં ઘટાડો ગરમીના પ્રમાણને દર્શાવવી આપે છે. જે રીતે શિયાળા દરમિયાન ઠંડીના દિવસોમાં ગરમી એ જ રીતે ઉનાળા દરમિયાન ગરમીના દિવસોમાં ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, જેની પાછળ પણ વાતાવરણમાં આવેલા અસામાન્ય અને અચોક્કસ બદલાવને કારણભૂત માનવામાં આવે છે.
વાતાવરણના પરિવર્તન પાછળ તીકળી જવાબદારઃવાતાવરણમાં આવેલા અસામાન્ય પરિવર્તનની પાછળ તીકળી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. એક તરફ પશ્ચિમી વિક્ષોપના કારણે વાતાવરણ ડામાડોળ થઈ રહ્યું છે. જેની પાછળ બંગાળની ખાડીમાં ભેજવાળી હવા તેમ જ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે આ પ્રકારની વાતાવરણની અનિશ્ચિતતા ઊભી થાય છે, જેના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદથી લઈને વાદળછાયા વાતાવરણ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.