મંદ ગતિએ ચાલતી વિકાસકામોની ગાડીે સ્થાનિકો શાંતિનો ભોગ લીધો જૂનાગઢ :પાછલા બે મહિના કરતાં વધુ સમયથી જૂનાગઢવાસીઓ માળખાકીય સુવિધાઓને લઈને અનેક મુશ્કેલીમાં જોવા મળે છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણી, ભૂગર્ભ ગટર અને ખાનગી કંપની દ્વારા ઘરે-ઘરે પહોંચાડવામાં આવતા રાંધણ ગેસની લાઈનની કામગીરી ચાલી રહી છે. જેને લઈને શહેરના મોટા ભાગના માર્ગ અને ખાસ કરીને સોસાયટીના આંતરિક માર્ગોને ખોદી નાખવામાં આવ્યા છે.
જાહેર માર્ગો બન્યા ખખડધજ :શહેરમાં ચાલી રહેલા વિકાસકામોની મંદ ગતિની કામગીરી સ્થાનિકો માટે સમસ્યા બની ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા રોડ-રસ્તા ખોદવામાં આવ્યા છે. જેમની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. પાછલા બે મહિનાથી ધીમી ગતીએ કામ ચાલી રહ્યું છે. જેના કારણે શહેરીજનોને આવનજાવન અને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોર્પોરેશનનું તંત્ર કોઈ પણ પ્રકારના આયોજન વગર શહેરમાં કામ કરી રહી છે. જેના કારણે મોટા ભાગના માર્ગ ખોદવામાં આવ્યા છે. જેથી વાહનચાલકોની સાથે વયોવૃદ્ધ લોકો તેમજ ચાલીને જનાર વ્યક્તિઓને ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. -- ભાવેશ ગઢીયા (સ્થાનિક)
માળખાકીય સુવિધાનો અભાવ :જૂનાગઢ શહેરની વાત કરીએ તો આંતરિક રહેણાંક વસાહતના માર્ગ ખખડધજ બની રહ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15 માં અત્યારે ભૂગર્ભ ગટર, પીવાનું પાણી અને રાંધણ ગેસની પાઈપલાઈન નાખવાના કામ ચાલી રહ્યા છે. જેના કારણે મોટા ભાગની સોસાયટીમાં માર્ગ ખોદવામાં આવ્યા છે. જે હવે ઉબડ-ખાબડ બન્યા છે. સતત ધૂળ ઉડવાથી પણ લોકોને તકલીફ પડી રહી છે. આવી પરિસ્થિતિમાં લોકો તાકિદે માર્ગનું સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે.
સ્થાનિકોની સમસ્યા : પાઈપલાઈન નાખવા માટે તોડવામાં આવેલા માર્ગ વાહનચાલકો માટે સમસ્યા બની ગયા છે. કેટલાક વિસ્તારોમાં તો ચાલીને નીકળવું પણ ખૂબ જ ભયજનક બની રહ્યું છે. આ સમસ્યાથી કંટાળેલા વધુ એક વ્યક્તિએ કોર્પોરેશનને આડે હાથ લેતા જણાવ્યું છે કે, સતત ખોદકામના કારણે માર્ગો પર ધૂળ ઉડી રહી છે. જેને કારણે તેમના ધંધા રોજગારમાં ખૂબ ઘટાડો થયો છે. સાથે સાથે સતત ધૂળના કારણે તેઓ બીમારીમાં પણ સપડાઈ રહ્યા છે. કોરોનાકાળ જેમ માસ્ક પહેરીને બહાર નીકળવું પડી રહ્યું છે.
દિવાળી સુધીમાં આ વિસ્તારમાં ગટરના કામની સાથે પીવાના પાણીની લાઈન અને રાંધણ ગેસની લાઈનના કામો પૂર્ણ થઈ જશે. ત્યારબાદ માર્ગના નવીનીકરણને લઈને કામ શરૂ થશે, જે મોટે ભાગે દિવાળી સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. -- હરેશ પરસાણા (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જૂનાગઢ મનપા)
કોર્પોરેશનને સમસ્યાની જાણ છે ?જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ ETV BHARAT સાથે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પીવાનું પાણી અને ખાનગી કંપની દ્વારા રાંધણ ગેસની લાઈન નાખવાના કામો ચાલી રહ્યા છે. જેના કારણે મોટા ભાગના માર્ગ ખોદવામાં આવ્યા છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોની સમસ્યાથી અમે બિલકુલ વાકેફ છીએ.
સત્તાધીશોએ આપ્યો જવાબ :આવનારા દિવસોમાં અને ખાસ કરીને દિવાળી સુધીમાં આ વિસ્તારમાં ગટરના કામની સાથે પીવાના પાણીની લાઈન અને રાંધણ ગેસની લાઈનના કામો પૂર્ણ થઈ જશે. ત્યારબાદ માર્ગના નવીનીકરણને લઈને કામ શરૂ થશે, જે મોટે ભાગે દિવાળી સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. લોકોને જે સુવિધા મળવા જઈ રહી છે તેને કારણે વર્તમાન સમયમાં મુશ્કેલી પડી રહી છે, તેનો તાકીદે ઉકેલ આવે તે બાબતમાં કોર્પોરેશન તંત્ર પણ કામ કરી રહ્યું છે.
સ્થાનિકોની માંગ : જૂનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખોદકામના કારણે માર્ગો ખૂબ જ ખખડધજ બની રહ્યા છે. ત્યારે જૂનાગઢના જોશીપરામાં રહેતા સ્થાનિક ભાવેશ ગઢીયાએ મ્યુનિસિપલ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, કોર્પોરેશનનું તંત્ર કોઈ પણ પ્રકારના આયોજન વગર શહેરમાં કામ કરી રહી છે. જેના કારણે મોટા ભાગના માર્ગ ખોદવામાં આવ્યા છે. જેથી વાહનચાલકોની સાથે વયોવૃદ્ધ લોકો તેમજ ચાલીને જનાર વ્યક્તિઓને ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.
- Junagadh News: રખડતા ઢોરના ત્રાસમાંથી જૂનાગઢ વાસીઓને મળી શકે છે મુક્તિ
- Junagadh Water Issue : જૂનાગઢના નાગરિકોને પીવાના પાણી માટે વલખા, તંત્રએ આપ્યો ખુલાસો