જૂનાગઢ : ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે ત્યારે પરિક્રમાના માર્ગ પર દર વર્ષની જેમ આ વખતે પણ સેવા યજ્ઞ ધમધમતા જોવા મળી રહ્યા છે. ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન લીલી પરિક્રમાના માર્ગ પર પાછલા ઘણા વર્ષોથી અન્નક્ષેત્રો અને સેવાભાવી યુવાનો દ્વારા વિવિધ સેવા યજ્ઞ પરિક્રમા દરમિયાન આયોજિત કરાતા હોય છે. જેને કારણે પરિક્રમામાં આવેલા પ્રત્યેક પરિક્રમાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન પણ થતું હોય છે. ત્યારે વડોદરાના ગિરનારી ગ્રુપ દ્વારા પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓને ગરમાગરમ લાઈવ સ્ટીમ ઢોકળાં ખવડાવીને અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.
ગિરનારની લીલી પરિક્રમાના સાત દિવસો દરમિયાન વિનામૂલ્યે લાઈવ સ્ટીમ ઢોકળાંનો પ્રસાદ - ઢોકળાં
ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરુ થઇ ગઇ છે ત્યારે પરિક્રમા માર્ગ પર સેવા યજ્ઞ પણ ધમધમી રહ્યા છે. વડોદરાના ગિરનારી ગ્રુપ દ્વારા પરિક્રમામાં આવતા પ્રત્યેક પરિક્રમાથીને જંગલ વિસ્તારમાં લાઈવ સ્ટીમ ઢોકળાં મળી રહે તે માટેનું આયોજન કરાયું છે જેને પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ ખૂબ જ આવકારી રહ્યા છે.
Published : Nov 24, 2023, 4:25 PM IST
ગિરનારી ગ્રુપનું આયોજન : વડોદરાના ગિરનારી ગ્રુપ દ્વારા આ વર્ષે સેવા યજ્ઞનું આયોજન થયું છે. જેમાં 27મી તારીખ સુધી પ્રત્યેક પરિક્રમાર્થીને ગરમાગરમ ઢોકળાં રૂપી ગિરનારી પ્રસાદ મળી રહે તે માટેનું આયોજન પણ થયું છે. ગિરનારી ગ્રુપ દ્વારા અંદાજિત 6 લાખ જેટલા પ્રવાસીઓને ભોજન પ્રસાદ મળી રહે તે માટે 50 સભ્યોની ટીમ 24 કલાક કામ કરી રહી છે. પ્રતિ દિવસે 2000 કિલો ખીરામાંથી ગરમાગરમ લાઈવ સ્ટીમ ઢોકળાં બનાવવામાં આવી રહ્યા છે.
ગિરનારી ગ્રુપ અને લાભાર્થીઓનો પ્રતિભાવ :લાઈફ સ્ટીમ ઢોકળા પ્રસાદરૂપે આપવાનું આયોજન કરેલા વડોદરાના ગિરનારી ગ્રુપના સ્વયંસેવકોએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. સંચાલન કરતા પ્રતીકે જણાવ્યું હતું કે અમારો આ સેવા યજ્ઞ પાછલા ઘણા સમયથી પરિક્રમા દરમિયાન આયોજિત થતો હોય છે. દર વર્ષે પરિક્રમાર્થીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ મળી રહે તે માટેનું આયોજન અમે કરતા રહ્યા છીએ. ત્યારે આ વખતે લાઈવ સ્ટીમ ઢોકળાંનું આયોજન કરીને પરિક્રમાર્થીને પરિક્રમા પથ પર ઓછી મુશ્કેલી પડે તે માટેનો સેવા યજ્ઞ કરી રહ્યા છે. તો બીજી તરફ કડીથી આવેલા અરવિંદભાઈએ સમગ્ર સેવા યજ્ઞને બિરદાવ્યો હતો. તેઓ વધુમાં જણાવે છે કે જંગલમાં આ પ્રકારનો સેવા યજ્ઞ વિચારવો મુશ્કેલ છે. ત્યારે પરિક્રમાર્થીઓને મળી રહેલો ભોજન પ્રસાદ ખરેખર ખૂબ જ આવકારદાયક છે. આ પ્રકારના સેવા યજ્ઞોથી પરિક્રમાના આયોજનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પરિક્રમાર્થીઓને પડતી નથી.