જૂનાગઢ : ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે ત્યારે પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમ વખત હિંસક પ્રાણી દ્વારા હુમલાની ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત થતા સમગ્ર પરિક્રમામાં ભારે ભય જોવા મળ્યો હતો. ગઈ કાલે વહેલી સવારના રાજુલા તાલુકાના વિકટર ગામના એક પરિવારની 11 વર્ષની કિશોરીને દીપડો જંગલ વિસ્તારમાંથી આવીને ફાડી ખાતાં તેનું મોત થયું છે. જેને કારણે સમગ્ર પરિક્રમામાં ભારે ભયની લાગણી જોવા મળી હતી.
વનવિભાગના દાવા પોકળ : પરિક્રમા શરૂ થતા પૂર્વે વન વિભાગે પરિક્રમાથીઓની સુરક્ષા હેતુથી હિંસક પ્રાણીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે તેવા દાવાઓ દીપડાએ કરેલા હુમલાથી પોકળ સાબિત થયા છે. જેને લઈને પરિક્રમાથીઓમાં ભારે રોષ જોવા મળે છે.
પરિક્રમાથીઓને સાવચેતી રાખવા અપીલ વનવિભાગે આપી વિગતો : જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ દીપડાના હુમલાની ઘટનાને દુઃખદ ગણાવીને તમામ પરિક્રમાથીઓએ સાવચેતી રાખવી તેવો અભિગમ વ્યક્ત કર્યો છે. જે દીપડાએ બાળકીને ફાડી ખાધી છે તેને 10 કલાકની રેસ્ક્યુ કામગીરી બાદ પાંજરે પૂરીને તેને સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યો છે. પરંતુ જે રીતે દીપડાએ માસૂમ બાળકીને શિકાર બનાવી છે. તેને લઈને હવે લોકોમાં પણ અને ખાસ કરીને પ્રકૃતિપ્રેમીઓમાં પણ રોષ જોવા મળે છે.
મહંત મહેશગીરીએ વ્યક્ત કર્યું દુઃખ : ગિરનાર પર આવેલા કમંડળ કુંડના મહંત મહેશગીરી બાપુએ દીપડાના હુમલામાં બાળકીના મોતને ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત ગણાવી છે. તંત્ર દ્વારા શોકગ્રસ્ત પરિવારને તાકીદે રાહત મળે તેમજ વન વિભાગ આગામી આયોજનને લઈને ખૂબ જ સાવચેતીપૂર્વક ગિરનારના મેળાનું આયોજન કરવામાં આવે તો આ પ્રકારની દુઃખદ ઘટનાઓને નિવારી શકાય તેમ છે.
પરિક્રમાથીઓને સાવચેતી રાખવા અપીલ : પ્રકૃતિ પ્રેમી જયદીપ ઓડેદરાએ પણ સમગ્ર ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે. સાથે સાથે પરિક્રમામાં આવતા પ્રત્યેક પરિક્રમાર્થી પોતાની નૈતિક જવાબદારી નક્કી કરે તો વન વિભાગના સંકલનમાં આ પ્રકારના હુમલાઓને ભવિષ્યમાં નિવારી શકાય તેમ છે. ગિરનાર અભયારણ્યમાં પરિક્રમા યોજાય છે. જેથી જંગલ વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓની હાજરી સતત હોય છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત ઘટેલી ઘટનાથી પ્રકૃતિ પ્રેમીઓ પણ દુઃખી છે. સાથે સાથે પ્રત્યેક પરિક્રમાથી તમામ સાવચેતી રાખે અને વનવિભાગ પૂરતી કામગીરી કરે તો આવા દુઃખદ બનાવોને અટકાવવામાં આપણને સફળતા મળી શકે છે.
- કુદરતના સાંનિધ્યમાં ભોજનનો સ્વાદ, સ્વયં ભોજન બનાવી પરંપરાગત રીતે લીલી પરિક્રમા કરતાં પરિક્રમાર્થીઓ
- લીલી પરિક્રમાના રૂટ પર દીપડાની દહેશત, ગત રાત્રિના દીપડાએ 11 વર્ષની બાળકીનો કર્યો શિકાર