જૂનાગઢ: નવાબોની નગરી તરીકે ઓળખાતા જૂનાગઢમાં નવાબી કાળની યાદ અપાવતી 100 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ આવેલી છે. કોલેજ અનેક રીતે ઐતિહાસિક છે, પરંતુ આજે વાત કોલેજની નહીં પણ કોલેજની લાઈબ્રેરીમાં 200 વર્ષ જૂના સચવાયેલા પુસ્તકોની કરીશુ. અંગ્રેજી લેખકો દ્વારા ઈ.સ. 1819માં લખાયેલા પુસ્તકોની હસ્તલિપિ જોવા મળી રહી છે.
100 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ સાચવી રહી છે 200 વર્ષ જૂના પુસ્તકો
નવાબી કાળમાં બનાવાયેલી 100 વર્ષ કરતાં પણ જૂની જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં 200 વર્ષ અને તેથી વધુ જૂના પુસ્તકો સચવાયેલા છે. નવાબોની નગરી તરીકે જાણીતા જૂનાગઢમાં અંગ્રેજ અને ભારતીય લેખકો દ્વારા સોનાની શાહીથી લખાયેલા પુસ્તકોને કાળજીપૂર્વક સાચવવામાં આવી રહ્યા છે.
વર્ષ 1819માં અંગ્રેજી લેખક સેમ્યુઅલ બટલર દ્વારા લખાયેલા હુડી બ્રાસ નામના 2 પુસ્તકોના ગ્રંથ લાઇબ્રેરીમાં જોવા મળી રહ્યા છે. તેમજ શંકરાચાર્યના બ્રહ્મસૂત્ર નામના પુસ્તકોના 20 ભાગ પણ અહીં સચવાયેલા છે. શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ગ્રંથની વિશેષતા એ છે કે આ બ્રહ્મસૂત્રના મુખપૃષ્ઠ સોનાની શાહીથી લખાયા છે.
આ પુસ્તકો ભાગ્યે જ કોઈ જગ્યા પર જોવા મળતા હશે. આવા દુર્લભ અને ભાગ્યે જ જોવા મળતા પુસ્તકો જૂનાગઢની સરકારી વિનિયન કોલેજમાં કાળજીપૂર્વક સાચવવામા આવી રહ્યાં છે. અહીં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પુસ્તકોને જોઈને પ્રાચીન વારસાની જાળવણી અંગે આશ્ચર્યની સાથે ગર્વ પણ અનુભવી રહ્યાં છે.