જૂનાગઢઃ જિલ્લાના કેશોદમાં આજે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિન્દુ ધર્મના દલિત વર્ગના 135 મહિલા અને 117 પુરુષો એમ કુલ 252 હિન્દુઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. આ દીક્ષાંત કાર્યક્રમમાં બૌદ્ધ પ્રજ્ઞા રત્ન થેરો ભંતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિધિવત રીતે 252 લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. દીક્ષા લેનાર 252 લોકોએ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. બૌદ્ધ ધર્મના અંગીકાર પહેલા 252 લોકો દ્વારા કેશોદના ભગવાન બુદ્ધની પ્રતિમાથી આંબેડકર ભવન સુધી એક યાત્રા પણ યોજાઈ હતી.
બૌદ્ધ ધર્મ અંગીકારની અનેક ઘટનાઃ છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ અને કેશોદ શહેરમાં બૌદ્ધ ધર્મ અંગીકારની અનેક ઘટના સામે આવી છે. અત્યાર સુધી આ પંથકના હજારથી વધુ અનુયાયીઓ સનાતન અથવા હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે. આજના કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના બૌદ્ધ પ્રજ્ઞા રત્ન ભંતે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બૌદ્ધ ધર્મના દિગ્ગજ સંતગણ દ્વારા દીક્ષાર્થીઓને ભગવાન બૌદ્ધ દ્વારા સ્થાપિત ધર્મની પરંપરા ડૉ. આંબેડકર દ્વારા સૂચિત માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. આ દીક્ષાર્થીઓએ બૌદ્ધ ધર્મની 22 પ્રતિજ્ઞાઓના ચુસ્ત પાલનનું વચન પણ આપ્યું હતું.