જૂનાગઢ :આસુરી શક્તિ પર દેવીય શક્તિના વિજય સમાન હોલિકાનો તહેવાર મનાવવામાં આવે છે. હોળીની જાળ જે દિશામાં જશે તેને લઈને આગામી ચોમાસુ શિયાળો અને ઉનાળાની સ્થિતિનુ પૂર્વાનુમાન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી હોળીની જાળને લઈને દેશી આગાહીકારો દ્વારા આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. તે મુજબ હોલિકાને પ્રગટાવ્યા બાદ તેની જાળ કઈ દિશામાં જાય છે. તેને લઈને આગામી વર્ષમાં વરસાદ ગરમી કે ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તેના પર આગાહીકારો પોતાનુ પુર્વાનુમાન વ્યક્ત કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં હોળીની જાળ પરથી આગામી વર્ષનો વર્તારો જોવાની વિશેષ પરંપરા જોવા મળે છે.
દેશી આગાહીકાર : દેશી આગાહીકાર મોહન દલસાણીયાએ જણાવ્યું હતું કે, જે દિશામાં હોળીની જાળ જાય તે દિશામાં તેનું ફળ પ્રાપ્ત થતુ હોય છે. હોળીની જાળ જો ઉત્તર દિશા તરફ જતી જોવા મળે તો ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે. તો હોળીની જાળ અગ્નિ દિશા તરફ જાય તો આ વર્ષે દુષ્કાળની શક્યતા પ્રબળ બનતી હોય છે. આવા વર્ષે ખૂબ જ નહિવત પ્રમાણમાં વરસાદ પડતો હોય છે.
હોળીની જાળ દિશા અને તેનું ફળ :હોળીની જાળ દિશા અને તેના ફળને લઈને વિગતવાર ચર્ચા કરીએ તો હોળીની જાળ ઉત્તર દિશા તરફ જાય તો તે વર્ષે ખૂબ સારો વરસાદ પડવાની શક્યતા જોવા મળે છે. તેવી જ રીતે વાયવ્ય દિશામાં હોળીની જાળ જાય તો વરસાદ ખૂબ જ તોફાની બને. આ વર્ષે ધન અને ધન્યની પેદાવાર પણ ખૂબ વિપુલ પ્રમાણમાં થવાની શક્યતાઓ હોય છે. પશ્ચિમ દિશા તરફ હોળીની જાળ જાય તો તેને ઉત્તમ ફળ આપનારી માનવામાં આવે છે. હોળીની જાળ નૈઋત્ય દિશા તરફ જતી જોવા મળે તો આ વર્ષે ઠંડીનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે. જેને કારણે ઉનાળાની ઋતુ વિલંબમાં આવી શકે છે.