જૂનાગઢઃ ગિરનાર પર્વત પર વિવિધ પ્રકારના પ્રદૂષણ વધતા જાય છે. જેમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સંદર્ભે ગુજરાત હાઈ કોર્ટમાં પીઆઈએલ પણ થઈ છે. જેના પર સુનાવણી ચાલી રહી છે. આ સંજોગોમાં સરકારના વિવિધ વિભાગો અને વેપારીઓએ એક બેઠક યોજીને ગિરનારને પ્લાસ્ટિક પોલ્યુશન ફ્રી કરવાની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારી અધિકારીઓની સૂચના અનુસાર વેપારીઓને વેપાર કરવા સહમતિ દર્શાવી છે.
બેઠકમાં કોણ કોણ જોડાયું?: ગિરનાર પર્વતને પ્લાસ્ટિક પોલ્યુશન ફ્રી કરવાની આ બેઠકમાં સ્થાનિક 120 વેપારીઓ જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં કોર્પોરેશન, ફોરેસ્ટ, રોપ વેના અધિકારીઓ, પાણી પૂરવઠાના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં સર્વાનુમતે ગિરનારને પ્લાસ્ટિક પોલ્યુશન ફ્રી કરવા માટેના ઉપાયો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
બેઠકની ફળશ્રુતિઃ આ બેઠકમાં ગિરનારને પ્લાસ્ટિક પોલ્યુશન ફ્રી બનાવવા ખાસ કરીને સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની જરુરિયાત સામે આવી હતી. તેથી ગિરનાર પર્વત અને તળેટીમાં પાણીની બોટલ વેચતા વેપારીઓને ઈકોફ્રેન્ડલી કે માટીની બોટલ્સ અપાઈ તેવું આયોજન વહીવટી તંત્ર કરી રહ્યું છે. જે અંતર્ગત સ્થાનિક વેપારીઓને 20 લીટરના ઈકોફ્રેન્ડલી પાણીના 5 કેરબા ફ્રી આપવામાં આવશે. જેથી પ્રત્યેક વેપારી પોતાની સાથે 100 લીટર પાણી પર્વત પર લઈ જઈ શકે. આ ઉપરાંત ઈકોફ્રેન્ડલી કે માટીના ગ્લાસનું પણ વિતરણ કરવામાં આવશે. ગિરનાર પર્વતને પ્લાસ્ટિક પોલ્યુશન ફ્રી કરવાનું અભિયાન આવતીકાલથી શરુ કરવામાં આવશે. આ બેઠકમાં સ્થાનિક વેપારીઓ પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈને તેમને જે સમસ્યા નડશે તેની રજૂઆતો પણ કરી હતી. આ સમસ્યાઓને સત્વરે ઉકેલવાની બાંહેધરી સરકારી અધિકારીઓએ આપી હતી.
ગિરનાર પર્વતને પ્લાસ્ટિક પોલ્યુશન ફ્રી કરવા માટે આજે બેઠક યોજાઈ હતી. જેમાં કોર્પોરેશન, ફોરેસ્ટ, રોપ વેના અધિકારીઓ, પાણી પૂરવઠાના અધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત 120 સ્થાનિક વેપારીઓ પણ જોડાયા હતા. આ વેપારીઓને પાણીની બોટલને બદલે અન્ય વિકલ્પોથી પાણી વેચવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આ વેપારીઓને ઈકોફ્રેન્ડલી કેરબા અને ગ્લાસ પણ પૂરા પાડવામાં આવ્યા છે...ભૂમિ કેશવાલા(પ્રાંત અધિકારી, જૂનાગઢ)
અમને કલેકટર દ્વારા આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. પર્વત પર નીચેથી પ્રવાસીઓ પ્લાસ્ટિકની બોટલ્સ લાવે છે તેમજ રોપવેમાં આવતા પ્રવાસીઓ પણ પ્લાસ્ટિક બોટલ્સ સાથે લઈને આવે છે. આ સમસ્યાનું નિરાકરણ થાય તો ગિરનારની પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા દૂર થાય તેમ છે...શામજીભાઈ(સ્થાનિક વેપારી, ગિરનાર પર્વત, જૂનાગઢ)
- Gujarat High Court: ગિરનાર પર્વત પર ગંદકીનો મુદ્દે સરકારે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો
- High Court: ગિરનાર પર્વત પર ગંદકી મામલે HCએ જૂનાગઢ કલેક્ટર અને કૉર્પોરેશનને જોઈન્ટ રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ