શિવગીરીબાપુના રીમાન્ડ પૂરા થતાં જૂનાગઢ જિલ્લા કોર્ટે જેલહવાલે મોકલવા હુકમ કર્યો જૂનાગઢ : ભવનાથ જૂના અખાડાના પીઠાધિશ્વર જયશ્રીકાનંદ પર ગત સાત તારીખ અને મંગળવારની સાંજના સમયે તલવારથી હુમલો કરીને ઘાયલ કરવાનો બનાવ બન્યો હતો. આ હુમલો નાગા સાધુ શિવગીરીબાપુ દ્વારા કરવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસે આજે તેમને જૂનાગઢ જિલ્લા કોર્ટમાં રજૂ કર્યાં હતાં જેમાં કોર્ટના હુકમ બાદ નાગા સાધુ શિવગીરીબાપુને જેલ હવાલે કરવામાં આવ્યાં છે.
નાગા સન્યાસી સાધ્વી ઉપર કર્યો તલવારથી હુમલો કરનાર સાધુ જેલ હવાલે :આ અંગેવિભાગીય પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યએ જણાવ્યું હતું કે જૂના અખાડાના પીઠાધિશ્વર જયશ્રીકાનંદ પર ગત સાત તારીખ 07 અને મંગળવારના દિવસે સાંજના સમયે ભવનાથ વિસ્તારમાં તલવાર વડે હુમલો કરતા હુમલામાં જયશ્રીકાનંદને ઇજા થવા પામી હતી. જેઓને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. હુમલો કરનાર નાગા સન્યાસી શિવગીરીબાપુને બિલખા નજીકથી પોલીસે પકડી પાડીને એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતાં. રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી તેમને જૂનાગઢ જિલ્લા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે નાગા સાધુ શિવગીરીબાપુના વધુ રિમાન્ડ નામંજૂર કરીને તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો Sadhvi Jayashreekananda: સાધવી પર સન્યાસીએ કર્યો હુમલો, કાયદો વ્યવસ્થા સામે ફરી સવાલ
નાગા સાધુ પર 307 મુજબ કાર્યવાહી :નાગા સાધુ શિવગીરીબાપુ પર ભારતીય દંડ સંહિતાની ધારા 307 મુજબ જૂનાગઢ પોલીસે કેશ નોંધ્યો છે અને સમગ્ર મામલામાં પોલીસે શિવગીરીબાપુના ગુનાહિત ઇતિહાસને લઈને તપાસ કરી હતી. જેમાં ત્રણ વર્ષ પૂર્વે ભવનાથ વિસ્તારમાં શિવગીરીબાપુએ અન્ય એક સાધુ પર હુમલો કર્યો હતો. જેની પોલીસ ફરિયાદમાં ભવનાથ પોલીસ મથકમાં નોંધાયેલી છે. ત્યારે ફરી એક વખત શિવગીરીબાપુએ મહિલા સાધ્વી જયશ્રીકાનંદ પર તલવાર વડે હુમલો કરતા સમગ્ર મામલામાં પોલીસે તેની અટકાયત કરી છે અને હાલ તેમને જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પાછલા ઘણા સમયથી સાધ્વી અને નાગા સાધુ વચ્ચે વિવાદ : પાછલા ઘણા સમયથી સાધ્વી જયશ્રીકાનંદ અને નાગા સાધુ શિવગીરીબાપુ વચ્ચે અણબનાવ અને ઘર્ષણ ચાલી રહ્યું છે. થોડા વર્ષ પૂર્વે મહાશિવરાત્રિના મેળા દરમિયાન જ સાધ્વી જયશ્રીકાનંદ અને શિવગીરીબાપુ વચ્ચે મંદિર પરિસરમાં હાથોહાથની માથાકૂટ પણ થઈ હતી. ત્યાર બાદ સાધ્વી જયશ્રીકાનંદ અને નાગા સાધુ શિવગીરી બાપુ વચ્ચે સતત ચકમક ઝરવાના બનાવો પણ બનતા રહ્યા હતાં. ત્યારે અચાનક શિવગીરી બાપુએ સાધ્વી જયશ્રીકાનંદ પર તલવારથી હુમલો કરી દીધો છે જેને લઈને મહાશિવરાત્રીના મેળા પૂર્વે સાધુ સંતો અને મેળામાં આવતા ભાવિકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ શકે છે.
સાધ્વી જયશ્રીકાનંદ અગાઉ પણ રહ્યા છે વિવાદમાં જયશ્રીકાનંદ અગાઉ પણ રહ્યા છે વિવાદમાં :પાછલા કેટલાંક વર્ષોથી ભવનાથમાં કાર્યક્ષેત્ર બનાવીને અખાડાના પીઠાધિશ્વર તરીકે ઓળખાતા સાધવી જયશ્રીકાનંદનો ભૂતકાળ પણ પોલીસ ચોપડે નોંધાયેલો છે. થોડા વર્ષો પૂર્વે બનાસકાંઠા જિલ્લામાં તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ જયશ્રીકાનંદને જેલમાં જવા સુધીનો સમય જોવો પડ્યો હતો. બનાસકાંઠાના આ મામલાથી સાધ્વી જયશ્રીકાનંદ સાધુ સમાજમાં વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ ચહેરા તરીકે જાણીતા બન્યા હતાં. બનાસકાંઠાના મામલા બાદ જયશ્રીકાનંદ હવે પાછલા કેટલાક સમયથી જૂનાગઢના ભવનાથમાં જુના અખાડાના પીઠાધિશ્વર તરીકે સેવાઓ આપી રહ્યા છે ત્યારે અહીં પણ સાધ્વી જયશ્રીકાનંદ વિવાદમાં જોવા મળે છે.
આ પણ વાંચો પાલનપુરઃ છેતરપિંડી કેસમાં સાધ્વી જયશ્રીગીરીના હાઇકોર્ટે કર્યા જામીન મંજુર
2019 બાદ જયશ્રીકાનંદ ભવનાથમાં : વર્ષ 2019 બાદ વિવાદાસ્પદ મહિલા સાધ્વી જયશ્રીકાનંદ જૂના અખાડાના પીઠાધિશ્વર તરીકે કામ કરી રહ્યા છે. ભવનાથના પીઠાધિશ્વર બનતા પૂર્વે તેઓ અનેક વખત વિવાદમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં ફરી એક વખત નાગા સાધુ સાથે વિવાદ થતા તેમના પર તલવાર વડે હુમલો પણ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલો હવે મહાશિવરાત્રિના મેળા પર ખૂબ જ ચર્ચાસ્પદ બની રહ્યો છે. હાલ તો શિવગીરી બાપુને જિલ્લા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા મામલો વર્તમાન સમયને અનુલક્ષીને પૂર્ણ થયેલો જોવા મળે છે.
શિવગીરીબાપુ પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યાં છે શિવગીરીબાપુનો સ્વભાવ પણ ઝઘડાખોર : પાછલા કેટલાક વર્ષોથી ભવનાથને તેમનું કાર્યક્ષેત્ર બનાવીને અહીં શિવ આરાધના કરતા શિવગીરી બાપુ પણ ઝઘડાખોર સ્વભાવના માનવામાં આવે છે શિવગીરી બાપુ સાથે ભવનાથ ક્ષેત્રના નાના મોટા સાધુ સંતો અને કેટલાક વ્યક્તિઓ સાથે અણ બનાવના બનાવો પણ બનવા પામે છે થોડા સમય પૂર્વે શિવગીરી બાપુ પર પણ ભવનાથ પોલીસ મથકમાં મારામારીને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે મંગળવારે તલવારથી સાધ્વી પર હુમલાના બનાવમાં જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શિવગીરીબાપુની અટકાયત પણ કરી હતી.
પાછલા કેટલાક વર્ષોથી મેળામાં બને છે અણબનાવો :ભવનાથની ગીરી તળેટીમાં આદી અનાદિ કાળથી આયોજિત થતા મહાશિવરાત્રિના મેળામાં પાછલા કેટલાક વર્ષોથી સાધુ સંતો અને મેળામાં આવેલા ભાવિકો વચ્ચે અણબનાવના બનાવો પણ સતત બનતા જોવા મળે છે. ગત વર્ષે મહાશિવરાત્રીના મેળા દરમિયાન નાગા સાધુએ મેળામાં આવનાર ભાવિક પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં ઘાયલ થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. તો તેની પૂર્વે નાગા સાધુ પાસે રહેલા હથિયારમાંથી ગોળી છૂટી જતા અન્ય એક સાધુનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે પાછલા કેટલાક વર્ષોનો મેળાનો ઇતિહાસ ધીમે ધીમે ઘર્ષણ અને અણબનાવો તરફ પણ આગળ વધી રહ્યો છે જે ખૂબ જ ચિંતાનો વિષય માનવામાં આવે છે.