જૂનાગઢ:આજે ભાદરવી અમાસનો પવિત્ર દિવસ છે. ગીરી તળેટીમાં આવેલા અતિ પ્રાચીન દામોદર કુંડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા દેવો ઋષિઓ અને પ્રત્યેક પરીવારના સર્વે પિતૃઓના તર્પણ વિધિ કરવા માટે આવતા હોય છે. સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયા મુજબ અતિ પ્રાચીન દામોદર તીર્થ ક્ષેત્રમાં પિતૃઓને અર્પણ કરવામાં આવે તો ચોક્કસપણે પ્રત્યેક આત્મા સુધી તેમના પરિવારજનોની સદભાવના પહોંચતી હોય છે. તેમનો આત્મા તૃપ્ત થતો હોય છે. ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં મોટી સંખ્યામાં આસ્તિકોએ આજે આસ્થાની ડૂબકી લગાવીને ભાદરવી અમાસના દિવસે સર્વે પિતૃઓની સાથે દેવો અને ઋષિઓનું પણ તર્પણ કર્યું હતું.
Bhadarvi Amas 2023: ભાદરવી અમાસે શ્રદ્ધાળુઓ માટે દાતારેશ્વર અન્નક્ષેત્ર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા
આજે ભાદરવી અમાસનો પવિત્ર દિવસ છે. ત્યારે ગીરી તળેટીમાં આવેલા અતિ પ્રાચીન દામોદર કુંડ ખાતે ભાવિકો ઋષિ દેવો અને પોતાના સર્વે પિતૃઓના અર્પણ કરવા માટે આવતા હોય છે. ભવનાથ આવેલા પ્રત્યેક આસ્તિકો માટે દાતારેશ્વર અન્નક્ષેત્ર દ્વારા સતત પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેનો લાભ તર્પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુ મેળવી રહ્યા છે.
Published : Sep 14, 2023, 1:05 PM IST
|Updated : Sep 14, 2023, 1:11 PM IST
'આજે દિવસ દરમિયાન 200 કિલો ચણાના લોટના ભજીયા ભાવિકોમાં બિલકુલ વિનામૂલ્યે ધાર્મિક આસ્થા જળવાઈ રહે તેમજ અહીં આવતા પ્રત્યેક ભાવિકોની વ્યવસ્થાઓ સચવાય તે માટે બનાવવામાં આવી રહ્યા છે. ગરમા ગરમ ભજીયા ભાવિકોને પીરસીને જેના અન્ન ભેગા તેના મન ભેગા...આ ઉક્તિને સાર્થક કરીને દાતારેશ્વર અન્ન ક્ષેત્ર દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં 10,000 કરતાં વધુ ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ પ્રાપ્ત કર્યો છે. હજુ પણ સતત અને અવિરત પણે પ્રસાદ સેવા જ્યાં સુધી ભાવિકોનો પ્રવાહ ચાલતો રહેશે ત્યાં સુધી શરૂ રાખવામાં આવશે.' -દિનેશભાઈ, સેવક, દાતારેશ્વર અન્નક્ષેત્ર
ભાવિકો માટે કરાઈ વિશેષ પ્રસાદની વ્યવસ્થા:ભાદરવી અમાસના દિવસે સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો તર્પણ વિધિ કરવા માટે આવતા હોય છે. ત્યારે વહેલી સવારથી દૂર દૂરના સ્થળોથી આવેલા પ્રત્યેક ભાવિકોને ભોજન પ્રસાદની કોઈ પણ પ્રકારની અગવડતા ન ઊભી થાય તે માટે દાતારેશ્વર અન્ય ક્ષેત્ર દ્વારા આજે વિશેષ ભોજન પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. 24 કલાક સુધી સતત ભોજન પ્રસાદના રૂપમાં ભાવિકોને ગરમાગરમ ભજીયા પીરસવામાં આવી રહ્યા છે. જેનો પણ ભાવિકો ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ગ્રહણ કરીને પવિત્ર ભાદરવી અમાસના ધાર્મિક દિવસની ઉજવણી કરી રહ્યા છે.