જૂનાગઢ : આજથી 100 વર્ષ પહેલાં જૂનાગઢ નવાબના સાળા બહાઉદ્દીન ભાઈના પ્રયાસોથી જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. જેને આજે 100 વર્ષ કરતાં પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. વર્ષ 1897ની 28મી જાન્યુઆરીએ આ કોલેજ બાંધવા માટેની કમિટીની રચના કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 1897ની 25મી માર્ચે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ જે.એમ.હંટરે આ કોલેજનું ખાતમુહૂર્ત કર્યું હતું.
બહાઉદ્દીન કોલેજ સેન્ટર હૉલ આ કોલેજનો વિચાર એક અભણ વ્યક્તિને આવ્યો અને આજથી સો વર્ષ પહેલા વિદ્યા અભ્યાસના દ્વાર જૂનાગઢમાં ખુલતા જોવા મળ્યા. આ કોલેજમાં જે તે સમયે એશિયાનો પ્રથમ એવો 52 દરવાજા સાથેનો સેન્ટ્રલ હૉલ પણ બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ સંશોધનકારો માટે રસનો વિષય છે. વર્ષ 1900ની 3જી નવેમ્બરે જે તે સમયના ભારતના વાઈસરૉય લોર્ડ કર્ઝન દ્વારા આ કોલેજની સાથે સેન્ટ્રલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ હોલમાં 52 દરવાજાઓ બનાવવામાં આવ્યા છે. તેને સ્કોટલેન્ડ ડિઝાઇન તરીકે ઓળખવામાં આવે છે.
આ ડિઝાઇન જે તે સમયે ફ્રાંસના લોકો બનાવતા હતા, તેવું જાણવા મળે છે. 52 દરવાજા સાથેનો આ હૉલ એક પણ પિલર વગર આજે 100 કરતા વધુ વર્ષથી અડીખમ જોવા મળે છે. આ હૉલની છત અને બારી ,દરવાજા તેમજ બેઠક વ્યવસ્થા માટેનું લાકડું જે તે સમયે બર્માથી મંગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટ્રલ હૉલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.
એ સમયે બનાવવામાં આવેલા 52 દરવાજાઓ પૈકી એક દરવાજો ગાંધીજીના દેહાવસાન બાદ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. તેના પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર પ્રસંગોને અનુરૂપ રાખવામાં આવે છે. તેમજ વર્ષ 1920માં બહાઉદીન કોલેજનો આ સેન્ટ્રલ હૉલ મહંમદખાન નવાબના રાજ્યાભિષેક માટે પણ જાણીતો છે. જે તે સમયે મહંમદખાન નવાબને રાજા તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 10 વર્ષની હતી. ત્યારબાદ તેઓ વર્ષ 1920માં 18માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે, જૂનાગઢના નવાબ તરીકે રાજ્યાભિષેકનો જાજરમાન કાર્યક્રમનો સાક્ષી બહાઉદ્દીન કોલેજનો આ સેન્ટ્રલ હોલ બન્યો હતો.