મંગળવારના રોજ જૂનાગઢ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં વિકાસના વિવિધ કામોને લઈને ઠરાવો કરવામાં આવ્યા હતાં. પરંતુ, ચોમાસા દરમિયાન જૂનાગઢ શહેરના તમામ માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે જેને લઇને વિપક્ષના કોર્પોરેટરો આજના જનરલ બોર્ડમાં મુદ્દો ઉપસ્થિત કરી અને શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે તેવું લાગી રહ્યું હતું, ત્યારે આજે જનરલ બોર્ડમાં ખરાબ રસ્તાનો મુદ્દો કોંગ્રેસના એક માત્ર મહિલા કોર્પોરેટરએ ઉઠાવ્યો હતો. જેમાં ભાજપના કોર્પોરેટરોએ સૂરમાં સુર પુરાવ્યો હતો અને ભાજપ કોંગ્રેસ તેમજ રાજનીતિથી દૂર રહીને સમગ્ર જૂનાગઢ શહેરના તમામ માર્ગોને નવિનીકરણ કરવામાં આવે તેવી ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યોએ એક સૂરમાં રજૂઆત કરી હતી.
જૂનાગઢના ખરાબ માર્ગોને લઈ શાસક અને વિપક્ષના કોર્પોરેટરો એક સાથે જોવા મળ્યા - ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો એક સૂરમાં
જૂનાગઢઃ મંગળવારના રોજ જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરના મોટાભાગના માર્ગોને લઈને શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ચોમાસા દરમિયાન ખોવાઈ ગયેલા માર્ગોની પરિસ્થિતિને લઈને આજે શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ એક સૂર સાથે તમામ માર્ગોને રીપેર કરવાની માગ કરી હતી.

આજનું જનરલ બોર્ડ વિકાસના વિવિધ કામો લઈને બોલાવવામાં આવ્યું હતું. પરંતુ, આજના બોર્ડમાં માત્ર ચોમાસા દરમિયાન ધોવાઈ ગયેલા માર્ગોનો મુદ્દો જ કેન્દ્ર સ્થાને હશે અને તેનો વિરોધ વિપક્ષ કરશે તેવુ લાગી રહ્યું હતું. પરંતુ, જૂનાગઢ જનતાને પડતી હાડમારીની વચ્ચે ભાજપ અને કોંગ્રેસના સભ્યો એકસાથે આવીને તાકીદે અને યુધ્ધના ધોરણે જૂનાગઢના તમામ માર્ગોનું નવિનીકરણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી હતી. તેવા સમયે શાસક પક્ષના કેટલાક સદસ્યો મોબાઈલમાં વ્યસ્ત પણ જોવા મળી રહ્યા હતાં. જૂનાગઢની જનતાએ જે પ્રકારે તેમને ચુટી અને કોર્પોરેશનના મોકલ્યા છે, તે પૈકીના કેટલાક કોર્પોરેટરો ચાલુ સાધારણ સભામાં સોશિયલ મીડિયામાં વ્યસ્ત પણ જોવા મળ્યા હતાં.