જૂનાગઢ : વૈશાખ મહિનામાં આવતી તિથિને અક્ષય તૃતીયા તરીકે એટલે કે અખાત્રીજ તરીકે હિન્દુ ધર્મ પંચાગમાં ઉજવવામાં આવે છે. અખાત્રીજના દિવસે કોઈ પણ પ્રકારના ધાર્મિક અને શુભ કાર્ય માટે વ્યક્તિ કે પંડિત પાસે મુહૂર્ત જોવડાવ્યા વિના આ દિવસે તમામ શુભ કાર્ય કરી શકાય છે. સનાતન ધર્મ સંસ્કૃતિના હિંદુ પંચાંગ મુજબ વસંત પંચમી, દશેરા, દિવાળી અને અખાત્રીજ આ ચાર તહેવારો દરમિયાન કોઈપણ વ્યક્તિ મુહૂર્ત જોવડાવ્યા વગર કાર્ય કરી શકે છે. એટલે જ તેને અક્ષય તૃતીયા એટલે કે સમગ્ર તિથિ દરમિયાન જીવંત રહેવાનું મહત્વ પણ ઉલ્લેખ ધર્મગ્રંથોમાં કરાયો છે. અખાત્રીજના દિવસને વણજોયા મુહૂર્તના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અખાત્રીજના દિવસે ગંગાજીનું અવતરણ :અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે પૃથ્વીલોક પર ગંગાજીનું પ્રાગટ્ય થયું હોવાની ધાર્મિક માન્યતા છે. ઋષિ ભગીરથી દ્વારા અખાત્રીજના દિવસે ગંગાજીને પૃથ્વી પર અવતરણ કરવા માટે વિનંતી કરાઈ હતી. જેને માન આપીને ગંગાજીનું સ્વર્ગ લોકમાંથી પૃથ્વી લોક પર અવતરણ થયું હતું. વધુમાં અખાત્રીજના દિવસે શિવના રુદ્ર અવતાર સમાન પરશુરામનો પ્રાગટ્ય થયું હતું. જેથી અખાત્રીજનો તહેવાર માતા ગંગાજના પૃથ્વી પર અવતરણ દિવસ અને ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કૃષ્ણ અને સુદામાનું થયું હતું મિલન :સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ અખાત્રીજનાદિવસે ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામા સાથે સોનાની નગરી દ્વારકામાં મિલન થયું હતું. જેથી અક્ષય તૃતીયાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે થયેલું મિલન કોઈપણ વ્યક્તિના જીવનકાળ દરમિયાન સદાય જળવાઈ રહેતું હોય છે. જેથી અક્ષય તૃતીયાનું મહત્વ મિત્રતાના ભાવ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મહાભારત કાળમાં અક્ષય તૃતીયાનો ઉલ્લેખ :અક્ષય તૃતીયાનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ જોવા મળે છે. પાંડવો જ્યારે વનવાસ કરી રહ્યા હતા, ત્યારે મહાદેવની કૃપાથી સૂર્યદેવ પાંડવોને દર્શન આપે છે. આજના દિવસે સૂર્યદેવ દ્વારા પાંડવોને અક્ષયપાત્ર એટલે કે અન્નપાત્ર સપ્રેમ અર્પણ કરે છે. જેની સાથે પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. અક્ષય પાત્રને અન્નના ભંડાર સાથે જોડવામાં આવે છે. ધન ધન્યની કોઈપણ પ્રકારની કમી ન સર્જાય તે માટે અક્ષય પાત્ર અખાત્રીજીનું મહત્વનો માનવામાં આવે છે. જે આજના દિવસે પાંડવોને સૂર્યદેવ દ્વારા અર્પણ કરાયું હતું.