જૂનાગઢ:બૃહદગીર વિસ્તારમાં હિંસક પ્રાણીઓનો હાહાકાર રોકાવાનુ નામ લેતુ જોવા મળતુ નથી. આજે દિપડાના હુમલામા વધુ એક માસુમ બાળકનુ મોત થયું છે. બૃહદ ગીર તરીકે જાણીતા રાજુલા તાલુકાના કાતર ગામમાં બે વર્ષના બાળકનુ દીપડાના હુમલામાં મોત થયું છે. પાછલા એક અઠવાડિયા દરમિયાન હિંસક પ્રાણીઓના હુમલાની આ ત્રીજી ઘટના છે. જેમાં ત્રણેય બાળકોના મોત થયા છે. બાળક રાત્રિના સમયે તેના ઘરમાં હતો એવા સમયે દીપડાએ ઘાત લગાવીને હુમલો કરીને બાળકને મોતને ઘાટ ઉતાર્યો છે.
સારવાર મળે તે પહેલા જ થયું મોત:રાત્રિના સમયે માલધારી પરિવારના બે વર્ષના માનવ નામના પુત્રનું દીપડો શિકાર કરવાને ઇરાદે ઘરમાંથી ઉઠાવી જતા પરિવારજનોએ ભારે કોલાહલ કર્યો હતો. જેની વચ્ચે દીપડાનો પ્રતિકાર કરતા થોડી દૂર દિપડો માનવને છોડીને જતો રહ્યો હતો. ગંભીર હાલતમાં ઘાયલ બાળકને પ્રથમ રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને ગંભીર ઈજા થઈ હોવાનું જણાવીને મહુવા સરકારી હોસ્પિટલ રીફર કર્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ જતા સમગ્ર ગીર વિસ્તારમાં ભારે ગમગીનીનું મોજું ફરી વળ્યું છે
એક જ અઠવાડિયામાં ત્રીજી ઘટના:બૃહદ ગીર વિસ્તારમાં એક અઠવાડિયામાં હિંસક પ્રાણીઓ દ્વારા બાળક પર હુમલો કરવાની આ ત્રીજી ઘટના છે ત્રણેય ઘટનામાં બે માસના બાળકથી લઈને ત્રણ વર્ષના બાળકનુ મોત થયું છે સાવરકુંડલા નજીક દીપડાના હુમલામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. લીલીયા નજીક ખારા ગામમાં બે માસના બાળકનુ મોત થયું હતું ત્યારે આજે આ બે ઘટનાના એક અઠવાડિયા બાદ ફરી એક વખત રાજુલાના કાતર ગામમાં દીપડાના હુમલામાં બે વર્ષ ના માનવ નામના માલધારી બાળકનુ મોત થયું છે
હુમલાની ત્રણેય ઘટના અલગ અલગ:સાવરકુંડલા નજીક દીપડાના હુમલા માં ત્રણ વર્ષના બાળક નુ મોત થયુ હતું આ બાળક ખેતરમાં ખુલ્લામાં સુઈ રહ્યો હતો તેનો દીપડાએ શિકાર કર્યો હતો લીલીયા તાલુકાના ખારા ગામમાં બકરાના શિકાર માટે આવેલી સિંહણે શિકાર નહીં મળતા માત્ર બે માસના બાળકને ફાડી ખાધું હતું ત્યારે આજે ફરી એક વખત કાતર ગામમાં દીપડાએ ઘરમાં ઘૂસીને બાળકનો શિકાર કર્યો છે ત્રણેય કિસ્સામાં હિંસક પ્રાણીઓની શિકારની વૃત્તિ અલગ અલગ જોવા મળે છે જે ખૂબ જ ચિંતાજનક માનવામાં આવે છે.