- પાછલા એક વર્ષમાં સોનાનો ભાવમાં જોવા મળ્યો વધારો
- સોનામાં જોવા મળતી ચળકાટ વર્ષ 2021 માં પણ જોવા મળી શકે છે
- આગામી વર્ષમાં સોનુ સર્વોચ્ચ કહી શકાય તેવા બજારભાવે પહોંચી શકે
જૂનાગઢ : પાછલા એક વર્ષમાં સોનાના પ્રતિ 10 ગ્રામ 22 કેરેટના ભાવમાં 15થી લઈને 20 હજાર સુધીનો ભાવ વધારો થયો છે. જે વર્ષ 2021માં સતત વધતો જોવા મળશે. જૂનાગઢના સોની વેપારીઓ વર્ષ 2021 માં સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ સર્વોચ્ચ કહી શકાય તેવા 60 હજાર સુધી પણ જવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
સોનાનો ચળકાટ હજુ પણ સતત ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ 2020 માં સોનાનો બજાર ભાવ સરેરાશ 15 થી લઈને 20 હજાર સુધી વધારા સાથે જોવા મળી રહ્યું છે. વર્ષ 2019 માં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 35 થી લઈને 40 હજાર સુધી જોવા મળતો હતો. તે સોનાના બજાર ભાવ અત્યારે 50,000 ને ઉપર જોવા મળી રહ્યા છે. જેનો સીધો મતલબ છે કે, વર્ષ 2019 ની સરખામણીએ વર્ષ 2020માં સોનાના પ્રતિ 10 ગ્રામમાં 15 થી લઇને 20 હજાર સુધીનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. જૂનાગઢ સોની બજારમાં એક સમયે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 55 હજાર સુધી પહોંચી ગયો હતો. પરંતુ થોડા સમય બાદ કિંમતી ધાતુઓમાં નરમાઇ જોવા મળતા આ ભાવ 5 હજાર ઘટીને અત્યારે 50 હજારની આસપાસ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના સોની વેપારીઓ પણ આગામી વર્ષે સોનાની ચળકાટ વધુ આગળ વધશે અને વર્ષ પૂર્ણ થતાં સમયે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાની સર્વોત્તમ ટોચ પર જોવા મળે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.