બિલ્વપત્ર અર્પણ કરવાની ધાર્મિક પરંપરા જૂનાગઢઃમહાશિવરાત્રિના મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં આજે આપણે જાણીએ દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય એવા બિલ્વપત્ર અંગે. શિવજીને બિલ્વપત્ર ચડાવવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર પ્રિય બનવા પાછળ માતા પાર્વતી દ્વારા કરવામાં આવેલા કઠોર તપ અને તપશ્ચર્યાને પણ માનવામાં આવે છે. તો આવો જાણીએ બિલ્વપત્રનુ ધાર્મિક મહત્વ.
આ પણ વાંચોGanesh Temple Dhank: એક એવા ગણેશજી જેઓ મૂષક નહીં પણ સિંહ પર બિરાજમાન છે, ભક્તો પત્રો લખી જણાવે છે પોતાના દુઃખ
દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય છે બિલ્વપત્રઃદેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર અતિપ્રિય હોવાનું સનાતન ધર્મ સંસ્કૃતિ અને શિવ સાથે જોડાયેલા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવાધિદેવ મહાદેવ પર કોઈ પણ શિવભક્ત એકમાત્ર બિલ્વપત્ર અર્પણ કરે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની લોકમાન્યતા છે. ત્યારે પવિત્ર શિવરાત્રિના દિવસે દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવાથી ત્રણ જન્મનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. ત્યારે મહાદેવને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક સોમવાર દર મહિને આવતી શિવરાત્રિ અને મહાશિવરાત્રિના દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એકમાત્ર બિલ્વપત્ર અર્પણ કરવાથી મહાદેવની કૃપા શિવભક્તો પર જળવાઈ રહે છે અને તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
બિલ્વપત્ર અર્પણ થવાને લઈને છે ધાર્મિક માન્યતાઃસનાતન ધર્મ સંસ્કૃતિમાં મહાદેવને બિલ્વપત્ર શા માટે પ્રિય છે અને તેને અર્પણ કરવાથી શા માટે પુણ્યશાળી ફળ મળતું હોય છે. તેની સાથે માતા પાર્વતીજીની કથા જોડાયેલી છે. શિવજીને પોતાના પતિ તરીકે પામવા માતા પાર્વતીજીએ બિલ્વપત્રના વૃક્ષ નીચે બેસીને શિવજીની કઠોર અને આકરી ભક્તિ કરી હતી. માતા પાર્વતીજીની ભક્તિને જોઈને મહાદેવ પ્રસન્ન થયા હતા અને માતા પાર્વતીજીની મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ આપ્યા હતા.
બિલ્વપત્ર અર્પણ કરવાની ધાર્મિક પરંપરાઃ સાથે સાથે માતા પાર્વતીજીએ જે વૃક્ષ નીચે બેસીને શિવજીની કઠોર અને આકરી ભક્તિ કરી હતી. તેવા બિલ્વપત્રને પણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ભગવાન શિવજીએ કહ્યું હતું કે, કોઈ પણ શિવભક્ત આસ્થા અને નિઃસ્વાર્થ ભાવે એક માત્ર બિલ્વપત્ર મારા પર ભક્તિભાવ સાથે અર્પણ કરશે તો, હું તે તમામ શિવભક્તોની મનોકામના પૂર્ણ કરીશ, જેથી દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાની ધાર્મિક પરંપરા આદિઅનાદિ કાળથી ચાલતી આવે છે.
રવિવાર અને તેરસના દિવસે બિલ્વપત્ર ચુટવુ અશુભઃસનાતન ધર્મ સંસ્કૃતિ અને શિવપુરાણ સાથે જોડાયેલા તમામ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ સોમવાર અને તેરસના દિવસે બિલ્વપત્રને વૃક્ષ પરથી ચૂંટવા માટે નિષેધ કરાયું છે. ધાર્મિક માન્યતા અનુસાર, સોમવાર અને તેરસના દિવસે ચૂંટવામાં આવેલું બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવામાં આવે તો તે તમામ પૂજા, અનુષ્ઠાન અને અભિષેક અસફળ રહેતા હોય છે. ત્યારે મહાદેવને સોમવારે અને શિવરાત્રિના દિવસે બિલ્વપત્ર અર્પણ કરતા પૂર્વે રવિવાર કે બારસના દિવસે બિલ્વપત્રના વૃક્ષ પરથી તેને ચુંટવું જોઈએ આવી ધાર્મિક માન્યતા સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે.
શિવરાત્રિએ બિલ્વપત્ર કરવાનું ધાર્મિક મહત્વઃ પવિત્ર શ્રાવણ માસ અને શિવરાત્રિએ દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્રનો અભિષેક કરવાનો વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. ત્યારે શિવજીને અતિપ્રિય અને શાસ્ત્રોમાં વર્ણન થયા મુજબ, શિવભક્તોના તમામ પ્રકારના પાપોને નાશ કરવા શક્તિશાળી માનવામાં આવ્યું છે, જેથી સોમવાર અને શિવરાત્રિના દિવસે બિલ્વપત્ર અર્પણ કરવાથી શિવભક્તોને વિશેષ પુણ્યશાળી ફળ મળતું હોય છે. મહાદેવને કોઈ વિશેષ શણગાર કે અભિષેકની જરૂર રહેતી નથી. મહાદેવની કૃપા એક માત્ર બિલ્વપત્રના અભિષેકથી કોઈ પણ શિવભક્તને પ્રાપ્ત થઈ શકે છે, જેને લઈને શિવભક્તોમાં બિલ્વપત્રનું ખાસ મહત્વ છે.
બિલ્વપત્ર સાથે ધાર્મિક માન્યતાઃ શિવ પૂરાણ અને સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં બિલ્વપત્રનો જે પ્રકારે ઉલ્લેખ કરાયો છે. તે મુજબ, મહાદેવને એક બિલ્વપત્ર અર્પણ કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે બિલ્વપત્ર મહાદેવ પર અભિષેક કરવાથી ભોળાનાથ પ્રત્યેક ભક્તને મહાપાપમાંથી મુક્તિ અપાવતા હોય છે તેવી ધાર્મિક માન્યતા બિલ્વપત્રના અભિષેક સાથે જોડાયેલી છે.
આ પણ વાંચોઃHanumanji Mandir: વિઝા નથી મળતા! કરો આ હનુમાનજીના દર્શન ને પછી જૂઓ ચમત્કાર
બિલ્વપત્ર કરે છે તમામ પાપોનો નાશઃસનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા શિવપૂરાણમાં બિલ્વપત્રને લઈને પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ બિલ્વપત્રના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી પણ જાણે કે, અજાણે થયેલા તમામ પાપોનો નાશ થતો હોય છે જેને કારણે પણ મહાદેવ પર બિલ્વપત્ર નો અભિષેક કરવાની વિશેષ ધાર્મિક માન્યતા આજે પણ જળવાયેલી જોવા મળે છે.