જૂનાગઢ:3જી ડિસેમ્બરથી બંગાળના અખાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેને પગલે વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળના અખાતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાત પર કોઈ પણ પ્રકારના કમોસમી વરસાદનો મોટો ખતરો ઉભો થતો નથી, પરંતુ મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા કે વિસ્તારમાં હળવો વરસાદ કે કેટલીક જગ્યા પર માત્ર છાંટા પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત ધિમંત વઘાસીયાએ જણાવ્યું છે કે પશ્ચિમના વિક્ષોપની કોઈ મોટી અસર આ સમય દરમિયાન જોવા મળતી નથી. બંગાળના અખાતમાં નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બંગાળના અખાતની સિસ્ટમ દૂર થયા બાદ અસલ શિયાળાની ઋતુ શરૂ થશે અને ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયા બાદ લોકોને ઠંડીનો અહેસાસ થતો જોવા મળશે.