જુનાગઢ :ચોમાસાની શરુઆતના પ્રથમ રાઉન્ડ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જાણે વરસાદ બ્રેક લેવાના મૂડમાં નથી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે. ત્યારે પાછલા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લો જળબંબાકાર થયો છે. જિલ્લાના વેરાવળ તાલાલા અને સુત્રાપાડા તાલુકામાં વરસાદી પાણીથી સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે. આ ચારેય તાલુકાઓમાં આખી રાત મેઘાવી માહોલ રહ્યો હતો. ઉપરાંત જુનાગઢ જિલ્લાના તાલુકામાં પણ અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં 12 ઈંચ વરસાદે ભારે તારાજી સર્જી છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 24 કલાકમાં 23 ઈંચ વરસાદ વરસ્યો હતો.
પાણીમાં વાહનો તણાયા : ગીર સોમાનાથ જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન સોમનાથ, વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જેને કારણે જિલ્લાની સૌથી મોટી હિરણ સરસ્વતી સહિત અન્ય સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળે છે. જેને કારણે વરસાદી પાણી વેરાવળ, સુત્રાપાડા, તાલાલા સહિત ત્રણેય તાલુકાના અનેક ગામડાઓમાં ફરી વળ્યા છે. જેના પરિણામ સ્વરુપે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વેરાવળના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં વાહનો વરસાદી પાણીમાં તણાતા હોય તેવા ચિંતાજનક દ્રશ્યો પણ જોવા મળે છે. આજે પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.