જૂનાગઢઃમહારાષ્ટ્રથી ગુજરાત અલગ રાજ્ય તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે. તેની પાછળ ઐતિહાસિક ધાર્મિક અને પર્યટન સ્થળોનું પણ ખૂબ જ વિશેષ અને આગવું યોગદાન જોવા મળે છે. પાછલા ત્રણ દસકા દરમિયાન ગુજરાતના ખૂબ જ મહત્વના ધાર્મિક સ્થાનોને દેશ વિદેશના પર્યટકો સાથે જોડીને ગુજરાતના વિકાસમાં ધર્મસ્થાન ની સાથે પર્યટન ઉદ્યોગ પણ ખૂબ જ વિકસી રહ્યો છે. સોમનાથ, દ્વારકા અંબાજી, પાવાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને વિદેશના યાત્રિકોને દેવ દર્શનની સાથે સાથે હવે પર્યટનનો પણ વિશ્વ સ્તરીય અનુભવ કરાવી રહ્યા છે. જેના કારણે ગુજરાતનો પર્યટન ઉદ્યોગ પણ હવે ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યો છે.
સોમનાથ જ્યોર્તિંલિંગઃપ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર સૌકાઓથી બનતું જોવા મળે છે. પરંતુ પાછલા ત્રણ દસકા દરમિયાન સોમનાથ પરીક્ષેત્રનો ધાર્મિક સ્થળની સાથે સાથે હવે તેનો પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે જોડાયા હતા. હવે તેઓ ચેરમેન તરીકે કામ કરી રહ્યા છે. તેમની સીધી નજર હેઠળ સોમનાથમાં પણ હવે યાત્રિકોને સોમનાથ આકર્ષિત કરી શકાય તે માટે ધર્મની સાથે પર્યટન ઉદ્યોગને પણ જોડીને અહીં પર્યટન ક્ષેત્રનો વિકાસ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. સમુદ્ર વોકવે લાઈટ એન્ડ સાઉન્ડ શો દીવ-સોમનાથ સાથે જોડતી હવાઈ સેવા અને ગુજરાતનું સૌથી આધુનિક અને સુવિધા સભર ધાર્મિક રેલવે સ્ટેશન સોમનાથ ખાતે આકાર લઈ રહ્યું છે.
દેવભૂમિ દ્વારકાઃસોમનાથ બાદ કાળીયા ઠાકરની ભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ધાર્મિક દ્રષ્ટિએ દ્વારકાનગરી મહત્વની બની રહી છે. સમગ્ર વર્ષ દરમિયાન શ્રીહરિના ભક્તો અચૂક દ્વારકા આવતા હોય છે. જન્માષ્ટમીના દિવસે દ્વારિકાનો માહોલ કૃષ્ણમય બને છે. લાખોની સંખ્યામાં દર વર્ષે આવતા ભક્તોને પર્યટનનો પણ અહેસાસ થાય તે માટે તાજેતરમાં જ સરકાર દ્વારા શિવરાજપુરબીચને બ્લુ ફ્લેગ બીચ તરીકે પ્રસ્થાપિત કરીને અહીં પર્યટન ક્ષેત્રને વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સિગ્નેચર બ્રિજનું કામ પણ ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે.
અંબાજી મંદિરઃગુજરાતમાં હરી અને હરના ધામ તરીકે દ્વારિકા અને સોમનાથનો વિકાસ થયો છે ત્યારે 51 શક્તિપીઠ પૈકી અંબાજી શક્તિપીઠનું ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. તમામ નાના મોટા રાજકીય આગેવાનો પણ મા અંબાના દરબારમાં શીશ ઝૂકાવતા જોવા મળે છે. જે અંબાજી શક્તિપીઠનું ધાર્મિક મહત્વ ઉજાગર કરે છે. અહીં પણ વર્ષો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શન કરે છે. અંબાજી મંદિર સરકાર દ્વારા સંચાલિત છે. જેને કારણે અહીંના વિકાસ સાથે સીધી રીતે રાજ્ય અને કેન્દ્રની સરકારો જોડાયેલી છે. અહીં ઓનલાઇન દર્શનની સાથે વિશ્વના પ્રવાસીઓને ધાર્મિક વાતાવરણ મળી રહે તેમજ શક્તિપીઠનો જે ધાર્મિક અહેસાસ કરવા માટે માઇ ભક્તો અંબાજી આવતા હોય છે. ઈચ્છા પરિપૂર્ણ થાય તે પ્રકારે અંબાજીમાં પણ ધર્મની સાથે ટુરિઝમ ક્ષેત્રને જોડવામાં આવ્યું છે.
કાશીની માફક વિકાસઃચરોતર પ્રદેશ પણ હવે ધર્મની સાથે પર્યટન ક્ષેત્રથી જોડાતું જોવા મળે છે. પર્વત પર બિરાજતા મા કાલિકાના મંદિરનો જીર્ણોદ્ધાર અને નૂતન ધ્વજારોહણ 200 વર્ષ બાદ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ ખુદ હાજર રહીને મહાકાળીના દરબારમાં હાજરી આપી હતી. 200 વર્ષ બાદ સનાતન ધર્મની ધાર્મિક પરંપરાને ફરી એક વખત શરૂ કરી છે. પાવાગઢનો વિકાસ પણ કાશી કોરિડોરની માફક કરવાની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી છે. જેને કારણે પણ અહીં ટુરીઝમ ક્ષેત્રની વિશાળ અને વિપુલ તકોનું નિર્માણ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં મહાકાલીના ધામ તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાતું પાવાગઢ ટુરિઝમ ક્ષેત્ર સાથે પણ જોડાતું જોવા મળશે જે દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષિત કરી શકે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા દુનિયાના ટુરિઝમને આકર્ષી રહી છે. સરદાર પટેલની પ્રતિમા માં ટુરિઝમ ક્ષેત્રને આકર્ષિત કરી શકાય તે માટે વિશેષ પ્રકારે લિફ્ટ લગાવવામાં આવી છે. જે સમગ્ર પ્રતિમાની ટોચ પર યાત્રિકો જઈ શકે છે. કેવડિયા કોલોની ખાતે આધુનિક પ્રાણીસંગ્રહાલયની સાથે રમતગમત તેમજ વોટર બોટ જેવું આયોજન પણ કરાયું છે. કેકટસ ગાર્ડન પણ ઊભું કરાયું છે. જેમાં દેશ અને વિદેશના અલગ અલગ પ્રકારના થોરના છોડ એક જગ્યા પર જોવા મળે છે. અહીં બાળકો સિનિયર સિટિઝન મહિલા અને તમામ પ્રવાસીઓની જરૂરિયાતોને ધ્યાને રાખીને અલગ અલગ પાર્કનું નિર્માણ પર કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ અને રાજ્યની ખૂબ મહત્વની કોન્ફરન્સનું આયોજન પણ થઈ રહ્યું છે. જેને કારણે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પર્યટનના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં ખૂબ જ ટૂંકા સમયમાં પ્રસ્થાપિત થયું છે.