જૂનાગઢ ગણતરીના દિવસોમાં જ હવે રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) ની જાહેરાત થશે. રાજ્યની 182 બેઠકો પૈકી જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ સહિત માણાવદર વિસાવદર માંગરોળ અને કેશોદ મળીને એમ કુલ પાંચ બેઠકો આવેલી છે. વર્ષ 2017 ની સામાન્ય ચૂંટણીમાં જિલ્લાની પાંચ બેઠકો પૈકી કેશોદ વિધાનસભા બેઠકને બાદ કરતાં વિસાવદર માણાવદર માંગરોળ અને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યા હતાં. વર્ષ 2019માં માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈને ફરી પેટા ચૂંટણીમાં વિજય મેળવીને રાજ્ય વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. ત્યારે થોડા જ દિવસો પૂર્વે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે હાલ વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) ખાલી પડેલી જોવા મળે છે.
વિસાવદર વિધાનસભા બેઠક ડેમોગ્રાફી વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) પર પાટીદાર મતદારો આજે પણ દબદબો ધરાવી રહ્યા છે. પાટીદાર સિવાય અહીં મુસ્લિમ દલિત આહીર ક્ષત્રિય બ્રાહ્મણ કોળી જ્ઞાતિના મતદારો મહત્વ રાખે છે. પરંતુ કોઈ પણ ઉમેદવારને જીતવા માટે એકમાત્ર પાટીદાર મતનો સહારો લેવો પડે છે. જેને કારણે અહીંથી તમામ રાજકીય પક્ષો પાટીદાર આગેવાનને તેમનો સતાવાર ઉમેદવાર બનાવે છે. વિસાવદર વિધાનસભા બેઠક પર 1,35,141 પુરુષ અને 01,24 097 મહિલા મતદારો મળીને કુલ 2,59,241 મતદારો વિધાનસભા બેઠક પર નોંધાયા છે જેમાં 1,25,000 ની આસપાસ લેઉવા પાટીદાર 18 થી 20 હજાર લઘુમતી 19 હજારની આસપાસ દલિત મતદારો 20,000 જેટલા આહિર 19 થી 20 હજાર ક્ષત્રિય મતદારો 12 હજાર બ્રાહ્મણ 13 થી 15 હજાર કોળી 10 થી 12 હજાર લોહાણા અને 18 થી 20 હજાર અન્ય જ્ઞાતિના મળીને કુલ 2,59,241 મતદારો મત આપવાનો અધિકાર ધરાવે છે.
અગાઉની ચૂંટણીના પરિણામવર્ષ 2012 થી વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) ફરી એક વખત કોંગ્રેસનો ગઢ બનવામાં સફળ રહી હતી અહીંથી સતત બે વખત કોંગ્રેસના હર્ષદ રિબડીયા ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. 2012 પૂર્વે અહીંથી ભાજપના જ પાટીદાર અગ્રણીઓ ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતાં. જેને તોડવામાં કોંગ્રેસને 2012માં સફળતા મળી અને સતત દસ વર્ષ સુધી અહીંથી હર્ષદ રીબડીયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને રાજ્ય વિધાનસભામાં પહોંચ્યા હતા. અહીંથી પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને કૃષિપ્રધાન કનુભાઈ ભાલાળા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક ગુજરાત રાજ્યને બે વખત મુખ્યપ્રધાન આપવાનું બહુમાન પણ ધરાવે છે.
અત્યાર સુધી આ બેઠક ( Visavadar Assembly Seat ) પર ભાજપ અને કોંગ્રેસનો સત્તા સમાન્યંતરે બદલાઈ રહી છે. વર્ષ 1995થી સતત બે વખત ભાજપના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા ત્યારબાદ તેમના પુત્ર ભરત પટેલનો વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પરાજય થયો હતો. ત્યારબાદ ભાજપે ફરી પકડ જમાવવા માટે અહીંથી સ્થાનિક ઉમેદવાર કનુભાઈ ભાલાળાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતાં. તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા અને રાજ્ય સરકારમાં કૃષિ પ્રધાન પણ બન્યા. ત્યાં સતત દસ વર્ષથી હર્ષદ રિબડીયા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજ્યની વિધાનસભામાં વિસાવદર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતાં.જે તાજેતરમાં ભાજપમાં જોડાઇ ગયાં છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષદ રિબડીયાને 81822 મત મળતાં તેમની જીત થઇ હતી. તેમની સામે ભાજપના કિરીટ પટેલે ચૂંટણી લડી હતી જેમને 58781 મત મળ્યાં હતાં.