ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 15માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત - Governor attends the 15th graduation ceremony held at Agriculture University in Junagadh

જૂનાગઢ : એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 618 જેટલા પદવીધારક વિદ્યાર્થીઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ માટે 63 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ મેડલો આપવામાં આવ્યા હતા.

junagadh
જૂનાગઢ

By

Published : Dec 27, 2019, 5:24 PM IST

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કૃષિ પ્રધાન જયદ્રથસિંહ પરમાર સહિત એગ્રીકલ્ચર ક્ષેત્રના વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી. આ પદવીદાન સમારોહમાં 618 જેટલા વિદ્યાર્થીઓને ખેતીવાડી ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરવા બદલ પદવીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 15માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત

જે પૈકી 63 જેટલા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસકાળ દરમિયાન ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરતા તેઓને વિવિધ મેડલથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો હતો.

આ અવસરે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખેતીવાડી ક્ષેત્રમાં કરેલો અભ્યાસ અને મેળવેલી પદવીઓ જો જાહેર જીવનમાં તેનો ઉપયોગ કરવામાં ન આવે તો આ પદવી અને અભ્યાસનું કોઇ મહત્ત્વ નથી. વિદ્યાર્થીઓને શીખ આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ પદવી લઈ બહાર જઈ રહ્યા છે, તેવા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસનો યોગ્ય અને અનુકુળ ઉપયોગ કરીને ખેતી ક્ષેત્રમાં ખેડૂતોને મદદરૂપ બને તેવી વાત કરી હતી.

વધુમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ખેતી ધીરે-ધીરે ખર્ચાળ બની રહી છે. ખેતી ક્ષેત્રમાં આવી રહેલો રોગચાળો ખેડૂતોની સાથે આપણી કૃષિ પેદાશોને પણ ખૂબ જ નુકસાન કરી રહ્યો છે. જેને લઇને ખેતી ક્ષેત્રમાં કામ કરતા વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને અધ્યાપકોને આ અંગે ચિંતિત બનીને ખેતી ક્ષેત્ર પર આવેલી મુશ્કેલીઓ સંશોધન થકી કેમ નિવારી શકાય તેને લઈને આગળ આવવાની ટહેલ પણ કરી હતી. આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી થઈ રહેલી ખેતી જમીનની સાથે કૃષિ પેદાશોને બગાડી રહી છે. જેને કારણે અસાધ્ય રોગોનું પ્રમાણ આપણા સમાજમાં ખૂબ જ વધી રહ્યું છે. તેની પણ રાજયપાલ આચાર્ય દેવવ્રતે ચિંતા કરીને સૌ કોઈને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું.

આચાર્ય દેવવ્રતે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જે સફળતા ખેડૂતો મેળવી રહ્યા છે. તે ખેડૂતો આજે પણ આત્મનિર્ભર બની રહ્યા છે. તેમજ સરકાર તરફ એક પણ વખત જોવાનો અથવા તો સરકાર પાસે સહાય માગવાનો સમય પ્રાકૃતિક ખેતીએ હજુ સુધી ખેડૂતો માટે આવવા દીધો નથી.

ABOUT THE AUTHOR

...view details