સોનાના બજાર ભાવ અત્યાર સુધીના વિક્રમ અને ઐતિહાસિક સ્તરે જોવા મળી રહ્યા હતાં. સોનુ તેનું અત્યાર સુધીમાં સૌથી સર્વોચ્ચ દસ ગ્રામના ભાવ 40 હજારને પાર થઈ ગયું હતું. જેમાં હવે નરમાઈનું વલણ જોવા મળતાં છેલ્લા કેટલાક દિવસોમાં સોનામાં 400થી લઈને 700 સુધીનો ક્રમસર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો વૈશ્વિક અર્થતંત્ર અને ખાડીના દેશોમાં જે પ્રકારે પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને થયો છે.
ઐતિહાસિક સપાટીએ પહોંચેલા સોનાના ભાવમાં વૈશ્વિક નરમાઈને પગલે ઘટાડો નોંધાયો
જૂનાગઢઃ સમગ્ર વિશ્વમાં સોનુ ઐતિહાસિક સપાટી વટાવી 40 હજારને પાર થઇ ગયું હતું, પરંતુ તાજેતરમાં જ ખાડી દેશમાં પેટ્રોલિયમ રિફાઇનરી પર થયેલ હુમલા અને વૈશ્વિક સ્થિતિને લઈને સતત વધી રહેલું સોનું હવે નરમાઇ તરફ આગળ વધી રહ્યું છે.
સોનાના વેપારીઓના જણાવ્યાં પ્રમાણે, હાલ ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રૂડ ઓઈલને લઈને જે ખટરાગ ચાલી રહ્યો હોવાથી સોનામાં થોડી નરમાઈ આવી છે. એક તરફ સમગ્ર વિશ્વમા મંદીનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ સાઉદી અરેબિયા અને ઈરાન એક બીજા પર હુમલાઓના આક્ષેપો કરી રહ્યા છે તેને કારણે ક્રૂડ ઓઈલમાં ભડકો થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. જેને પગલે સોનાના વૈશ્વિક ભાવોમાં ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે જે પ્રમાણે ક્રૂડ ઓઈલને લઈને તનાવ ભરી પરિસ્થિતિ ઊભી થઇ રહી છે. જે આગામી દિવસોમાં વધુ ચાલશે તો, ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ખૂબ મોટો ઘટાડો જોવા મળશે. જેને કારણે સમગ્ર વિશ્વના ક્રૂડ બજારમાં આગ ઝરતી તેજી જોવા મળશે. જેની વિપરીત અસરો સોનાના વૈશ્વિક બજારોમાં પણ થઈ શકે છે જેથી ધીમી, પરંતુ મક્કમ ગતિએ સોનું નરમાઇ તરફ આગળ વધી રહ્યું છે. ક્રૂડઓઈલના ભાવમાં ભળકા બાદ સોનાની નરમાઈ તૂટીને ફરી પાછી મહત્તમ સુધી પહોંચે તેવું પણ હાલની પરિસ્થિતિને જોતા એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.