જૂનાગઢ : જૂનાગઢમાં ગત સાત તારીખે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. માતા-પિતાને ભોજનમાં ઘેનની દવા પીવડાવીને યુવતી પોતાના પ્રેમીને પામવા માટે એટીએમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સાથે પાસવર્ડની વિગત સાથેની ડાયરી લઈને યુવતી જૂનાગઢથી ઉત્તર પ્રદેશના બરેલી સુધી પહોંચી (Junagadh crime love Story) ગઈ હતી. સમગ્ર મામલે જૂનાગઢ પોલીસે ખૂબ જ ગંભીરતાથી તપાસ હાથ ધરીને યુવતી અને તેના પ્રેમીની ઉત્તર પ્રદેશના બરેલીથી અટકાયત કરીને જૂનાગઢ લાવી છે. સમગ્ર મામલામાં પોલીસ અટકાયતમાં રહેલા યુવતીના પ્રેમી રાહત અહેમદ ખાનની આકરી પૂછપરછ ચલાવી રહી છે.
જૂનાગઢમાં યુવતી અને તેના પ્રેમીની પોલીસે કરી અટકાયત : ગત સાતમી ડિસેમ્બરના દિવસે જૂનાગઢ શહેરના રાધાકૃષ્ણ નગરમાં રહેતી એક યુવતી પોતાના પિતાને ભોજનમાં ઘેનની દવા પીવડાવીને પોતાના પ્રેમીને પામવા માટે ઉત્તર પ્રદેશના બરેલી સુધી પહોંચી ગઈ હતી. instagram થકી બરેલીના રાહત અહેમદ ખાન નામના વ્યક્તિ સાથે જૂનાગઢની યુવતી વર્ષ 2017 થી સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા. યુવતી સાથે સંપર્કમાં આવેલા રાહત અહેમદખાને પોતે દુબઈમાં ખૂબ મોટો ઉદ્યોગ ધરાવે છે અને તેની પાસે વૈભવી કારના કાફલા સાથે ખૂબ મોટી સંપત્તિ છે તેવી લોભામણી અને લલચામણી વિગતો સોશિયલ મીડિયા થકી યુવતીને જણાવી અને યુવતી આ યુવાનને પામવા માટે પોતાના માતા પિતા સાથે પણ માનવીય કૃત્ય રચીને પ્રેમીને પામવા ઉત્તર પ્રદેશના બરેલી સુધી પહોંચી ગઈ, પરંતુ ઘેનની દવા બાદ ભાનમાં આવેલા યુવતીના માતા પિતાએ પોતાની યુવતી ઘરેથી ગુમ છે તેની પોલીસ ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી જેના પગલે જૂનાગઢ પોલીસે ઉત્તર પ્રદેશના બરેલી સુધી તપાસ હાથ ધરી હતી.